નખત્રાણામાં લોહાણા સમાજનો પ્રથમ ગણપતિ મહોત્સવઃ દુંદાળાદેવની સ્થાપના સાથે ગૌસેવાનો સંકલ્પ
કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા ખાતે લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ પ્રથમ વખત ત્રિદિવસીય ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન ધર્મેશ કાંતા કતીરા પાર્ટી પ્લોટ, દર
નખત્રાણા ગણેશ મહોત્સવ


નખત્રાણા ગણેશ મહોત્સવ


કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા ખાતે લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવક મંડળના સંયુક્ત આયોજન હેઠળ પ્રથમ વખત ત્રિદિવસીય ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન ધર્મેશ કાંતા કતીરા પાર્ટી પ્લોટ, દરિયાસ્થાન મંદિર, જુનાવાસ ખાતે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સમાજના ભાઈઓ-બહેનો પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર આયોજન દરમિયાન ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સેવાભાવનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

મહોત્સવના પ્રારંભ પ્રસંગે ગણપતિજીની મૂર્તિને ભવ્ય શોભાયાત્રા સાથે મહોત્સવ સ્થળે લાવવામાં આવી હતી. વૈદિક વિધિ અને ભક્તિભાવ વચ્ચે દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રિના સમયે સંગીતમય હાઉઝીનું પણ આયોજન કરાયું હતું, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મહોત્સવના બીજા દિવસે સવારે ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી. સાંજે મહાઆરતી બાદ રાસ-ગરબાના કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ત્રીજા દિવસે સવારે ગાયત્રી હવન યોજાયો હતો, જ્યારે સાંજે ગણપતિજીની વિધિવત્ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ત્રણેય દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો તથા બાળકોની સક્રિય ભાગીદારી રહી હતી.

આ સમગ્ર આયોજનમાં દાતાઓએ પણ સેવાભાવપૂર્વક સહયોગ આપ્યો હતો. ગણપતિ મૂર્તિના દાતા તરીકે મીરાબેન ચેતનભાઈ ઠક્કર, સૂકી પ્રસાદીના દાતા તરીકે નિધિ જીજ્ઞેશ પલણ તથા રાધ્યા દર્શન ઠક્કર અને મહાઆરતી માટે જલારામ ભક્ત પરિવારે સહયોગ આપ્યો હતો.

આ મહોત્સવની વિશેષતા માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત ન રહી. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહોત્સવ દરમિયાન પ્રાપ્ત થતી તમામ આવક ગૌસેવાના કાર્યમાં ઉપયોગ કરવાનો સંકલ્પ આયોજક સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો.

રાજેશભાઈ પલણે જણાવ્યું હતું કે ગણપતિ મહોત્સવના માધ્યમથી ધાર્મિક શ્રદ્ધા સાથે જીવદયા અને ગૌસેવાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આમ, નખત્રાણામાં યોજાયેલ આ પ્રથમ ગણપતિ મહોત્સવે ભક્તિ સાથે સેવા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande