
- સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ તથા નિઃશુલ્ક ‘મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પ દરમિયાન સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
જેમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો દ્વારા મેડિકલ ચેક-અપ, બાળરોગ નિષ્ણાતોની સેવાઓ, લેબોરેટરી તપાસ, સ્ત્રીરોગ નિદાન તથા સારવાર, થેલેસેમિયા મેજર-માઈનોર અંગેની તપાસ તેમજ સર્જન અને ચામડીના રોગોના તજ્જ્ઞો દ્વારા નિદાન અને સારવાર ઉપરાંત આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા સારવારનો સમાવેશ થાય છે.વધુમાં, સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટેની રસીકરણ સેવા તેમજ ટીબીની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રીએ સમાજના દરેક વર્ગ સુધી સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચે તથા નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં આવા સેવાકીય આયોજનો પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલર, હેલ્થ સેન્ટરના તબીબો, અધિકારીઓ-હોદ્દેદારો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ