ઈસરોની રોબોટિક્સ ચેલેન્જમાં જામનગરના દેવર્ષિ ફલિયા અને માનવ પટેલના નેતૃત્વમાં નિરમા યુનિવર્સિટીની ‘ટીમ એરો’ દેશભરમાં પ્રથમ
જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) દ્વારા આયોજિત અત્યંત પ્રતિષ્ઠિત ‘ઈસરો રોબોટિક્સ ચેલેન્જ–યુનિવર્સિટી (IRoC-U) ૨૦૨૬’માં નિરમા યુનિવર્સિટીની ‘ટીમ એરો’એ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું
જામનગરના યુવાનોના માર્ગદર્શનમાં નિરમા યુનિ. દેશમાં પ્રથમ


જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) દ્વારા આયોજિત અત્યંત પ્રતિષ્ઠિત ‘ઈસરો રોબોટિક્સ ચેલેન્જ–યુનિવર્સિટી (IRoC-U) ૨૦૨૬’માં નિરમા યુનિવર્સિટીની ‘ટીમ એરો’એ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને રાષ્ટ્રીય ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. દેશભરની કઠિન સ્પર્ધકોને પાછળ છોડીને મેળવેલી આ ઐતિહાસિક સફળતામાં જામનગરના બે યુવા એન્જિનિયરો માનવ પટેલ અને દેવર્ષિ ફલિયાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

જામનગરની પ્રતિભાનો રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડનાર આ યુવાનોએ પોતાની ટેક્નિકલ ક્ષમતા, નેતૃત્વ અને નવીનતમ વિચારસરણીના બળે આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતી આ રોબોટિક્સ સ્પર્ધામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાની શરૂઆતમાં સમગ્ર દેશમાંથી કુલ 590 જેટલી પ્રતિભાશાળી ટીમોએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની અત્યંત કઠિન પસંદગી અને માપદંડો આધારિત મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થયા બાદ માત્ર 20 ટીમોને જ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરવામાં આવી હતી. નિરમા યુનિવર્સિટીની આ ‘ટીમ એરો’ કુલ 13 સભ્યોની બહુવિષયક (મલ્ટીડિસિપ્લિનરી) ટીમ હતી, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર, સિવિલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. આ બહુવિધ ક્ષેત્રોના નિષ્ણાત વિદ્યાર્થીઓને એકસૂત્રે બાંધીને સમગ્ર પ્રોજેક્ટનું સફળ નેતૃત્વ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી જામનગરના માનવ પટેલે ટીમના કેપ્ટન તરીકે નિભાવી હતી. જ્યારે જામનગરના જ દેવર્ષિ ફલિયાએ આ પ્રોજેક્ટમાં ડિઝાઇન અને એનાલિસિસ લીડ તરીકેની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હવાઈ પ્લેટફોર્મની માળખાકીય અને યાંત્રિક ડિઝાઇન તૈયાર કરવા સાથે તેનું ચોક્કસ વિશ્લેષણ કરી, સિસ્ટમને વધુ સુગ્રથિત અને કાર્યક્ષમ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.આ સ્પર્ધાના મુખ્ય આયોજન અને મિશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટીમ એરો દ્વારા ‘ARW500N’ નામનો અત્યાધુનિક સ્વાયત્ત (ઓટોનોમસ) ડ્રોન વિકસાવવામાં આવ્યો હતો. અન્ય ગ્રહો પરની શોધખોળ સાથે સંકળાયેલા પડકારજનક વાતાવરણ અને મિશનને અનુકૂળ રહે તે રીતે આ ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોનના વિકાસ માટે વિદ્યાર્થીઓએ આશરે ચાર મહિના સુધી સતત મહેનત કરી હતી અને અંદાજે ₹૧.૫ લાખના ખર્ચે સમગ્ર સિસ્ટમ તૈયાર કરી હતી. ડ્રોનના નિર્માણમાં તેની મજબૂતાઈ અને હળવાશ જળવાઈ રહે તે માટે ૩ડી પ્રિન્ટેડ ભાગો અને કાર્બન ફાઇબરના ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે આ ડ્રોનનું કુલ વજન માત્ર ૧.૪૩ કિલોગ્રામ જેટલું જ રાખવામાં સફળતા મળી હતી. ડિઝાઇનિંગ, વિશ્લેષણ, પ્રોટોટાઇપિંગ, ગ્રાઉન્ડ ટેસ્ટિંગ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન જેવા જટિલ તબક્કાઓમાંથી પસાર થઈને આ સ્વાયત્ત ડ્રોન તૈયાર કરાયું હતું.ઈસરો દ્વારા આ સ્પર્ધામાં ટીમો સમક્ષ એવું હવાઈ રોબોટિક પ્લેટફોર્મ રજૂ કરવાનો સખત પડકાર મૂકવામાં આવ્યો હતો, જે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણ સ્વાયત્ત રીતે મિશન પૂર્ણ કરી શકે. ડ્રોનમાં જીપીએસ (GPS) વિહોણા વાતાવરણમાં પણ ચોક્કસ નેવિગેશન કરવાની ક્ષમતા હોવી જરૂરી હતી. આ ઉપરાંત, સ્વતંત્ર રીતે ઉડાન ભરીને નિર્ધારિત લક્ષ્યો શોધી તેની ઓળખ કરવી, ચોક્કસ સ્થળે પહોંચી સ્વાયત્ત ચાર્જિંગ ડોક પર લેન્ડિંગ કરવું, રિચાર્જ થવું અને ફરીથી પોતાનું મિશન આગળ ધપાવવું જેવી જટિલ કામગીરીઓ આ રોબોટિક પ્લેટફોર્મે કરવાની હતી. આ તમામ પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પાર પાડવા માટે ટીમ એરો દ્વારા કમ્પ્યુટર વિઝન, ઇમેજ પ્રોસેસિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્વાયત્ત નેવિગેશન અને બુદ્ધિશાળી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્પર્ધાનો અંતિમ તબક્કો બેંગલુરુ સ્થિત ઈસરોના યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) ખાતે યોજાયો હતો, જ્યાં દેશની શ્રેષ્ઠ 20 ટીમો વચ્ચે આખરી જંગ ખેલાયો હતો. આ અંતિમ ચરણમાં મિશન પૂર્ણ કરવા માટે ઈસરો દ્વારા તમામ ટીમોને મહત્તમ ૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.પરંતુ, ટીમ એરો દ્વારા વિકસાવવામાં આવેલા ‘ARW500N’ ડ્રોને પોતાની અદ્ભુત ટેક્નિકલ કાર્યક્ષમતા અને ક્ષમતાનું પ્રદર્શન કરતા આખું નિર્ધારિત મિશન માત્ર આશરે ૪ મિનિટમાં જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધું હતું. સમય મર્યાદા કરતાં ખૂબ જ ઓછા સમયમાં અને કોઈપણ ખામી વગર મેળવેલી આ સિદ્ધિએ ઈસરોના વૈજ્ઞાનિકો અને નિર્ણાયકોને પણ પ્રભાવિત કર્યા હતા અને ટીમે પ્રથમ સ્થાન મેળવીને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પર પોતાનો કબ્જો જમાવ્યો હતો.આ ઐતિહાસિક સિદ્ધિની સત્તાવાર જાહેરાત ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે આયોજિત ‘ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસ’ની ઉજવણી દરમિયાન કરવામાં આવી હતી. ઈસરોના અધ્યક્ષ ડૉ. વી. નારાયણન અને અન્ય અગ્રણી વૈજ્ઞાનિકો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલી ટીમ એરોને ₹10 લાખનું રોકડ ઈનામ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. જામનગરના યુવા એન્જિનિયરો દેવર્ષિ ફલિયા અને માનવ પટેલ માટે આ વિજય માત્ર તેમની વ્યક્તિગત કે શૈક્ષણિક સફળતા નથી, પરંતુ રોબોટિક્સ, એરોસ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અદ્યતન ક્ષેત્રોમાં જામનગર અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરવાનો એક સુવર્ણ અવસર સાબિત થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande