
ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા બસ સ્ટેશન પરિસર અને બસોમાં સ્વચ્છતા જાળવવા માટે ઓગસ્ટ દરમિયાન દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે “સ્વચ્છતા હી સેવા” અને “સ્વચ્છતા હી પરમો ધર્મ”ના ઉદ્દેશ્ય સાથે વિભાગ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
બસ તથા બસ સ્ટેશન પરિસરમાં પાન-મસાલાની પીચકારી ન મારવા, ધુમ્રપાન ન કરવા તેમજ કચરો જ્યાં ત્યાં ન ફેંકવા માટે મુસાફરોને અપીલ કરવામાં આવે છે. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓગસ્ટ 2026 દરમિયાન ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે કુલ 489 કેસ નોંધવામાં આવ્યા હતા અને દંડ પેટે કુલ રૂ. 4,980ની વસુલાત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર ડેપોમાં 63 કેસમાં રૂ.720, તળાજા ડેપોમાં 58 કેસમાં રૂ.580, મહુવા ડેપોમાં 62 કેસમાં રૂ.620, પાલીતાણા ડેપોમાં 62 કેસમાં રૂ.620, ગારીયાધાર ડેપોમાં 58 કેસમાં રૂ.580, બરવાળા ડેપોમાં 62 કેસમાં રૂ.620, બોટાદ ડેપોમાં 62 કેસમાં રૂ.620 અને ગઢડા ડેપોમાં 62 કેસમાં રૂ.620નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
એસ.ટી. વિભાગે મુસાફરોને બસ કે બસ સ્ટેશન પરિસરમાં ધુમ્રપાન ન કરવા, પાન-મસાલાની પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમાં જ નાખવા અપીલ કરી છે. સ્વચ્છતા જાળવવામાં મુસાફરો સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA