
ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : હાલના સમયમાં યુવા ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે બાગાયતી અને રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે. નવી ટેક્નોલોજી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી ઓછા વિસ્તારમાંથી વધુ આવક મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના યુવા ખેડૂત બારૈયા જયસુખભાઈ રાજાભાઈએ પણ ખેતીમાં નવીન પહેલ કરી ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે.
જયસુખભાઈ છેલ્લા પાંચથી છ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. ખેતીમાંથી વધુ આવક મેળવવા માટે તેઓ વિવિધ ખેડૂતલક્ષી બેઠકો અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. આ દરમિયાન નવીન ખેતી અંગે પ્રેરણા મળતાં તેમણે દર વર્ષે અલગ અલગ પાકોનું વાવેતર શરૂ કર્યું હતું.
એક ખેડૂત મિત્ર પાસેથી ડ્રેગન ફ્રુટની ખેતી અંગે માહિતી મળ્યા બાદ તેમણે પોતાના ખેતરમાં આ પાકનું વાવેતર કરવાનો નિર્ણય લીધો હતો. ડ્રેગન ફ્રુટ માટે ઓછી જમીનની જરૂરિયાત રહે છે અને છોડની વચ્ચેની જગ્યાનો ઉપયોગ અન્ય પાક માટે કરી શકાય છે, જેથી એક જ જમીનમાંથી બે પાકની આવક મેળવી શકાય છે.
જયસુખભાઈએ હાલમાં સવા વીઘા જમીનમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યું છે અને ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. ખેતીમાં દેશી ખાતરનો ઉપયોગ તથા ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે. પોલ, રોપા સહિતના ખર્ચને મળીને અત્યાર સુધીમાં આશરે રૂ. 1.50 લાખનો ખર્ચ થયો છે. સંપૂર્ણ ઉત્પાદન મળ્યા બાદ સવા વીઘામાંથી રૂ. 2થી 2.50 લાખ સુધીની આવક થવાની આશા છે. ઉપરાંત વચ્ચેની જગ્યામાં અન્ય પાકનું વાવેતર કરી વધારાની આવક મેળવવાનો પણ તેમનો પ્રયાસ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA