
ગીર સોમનાથ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા બહેનોને ખાસ કરીને સખી મંડળને અપાતી મદદને સથવારે રાજ્યની અનેક મહિલાઓ પગભર બની છે. પોતાની આત્મનિર્ભરતાનો માર્ગ કંડારી સમૃદ્વિ તરફ આ મહિલાઓએ ડગ માંડ્યાં છે. આવું જ એક સખી મંડળ જામવાડાની મહિલાઓનું છે જેમણે પર્સ, માળા, મંગળસૂત્ર, ડોકિયા સહિતની હસ્તકલાની વસ્તુઓની બનાવટથી આર્થિક ઉજાસ તરફ અગ્રેસર થવાનો રાહ પકડ્યો છે. આમ તો જામવાડા તેના પ્રખ્યાત થાબડી પેંડા માટે વિખ્યાત છે. આવા ગીર ગઢડા તાલુકાના જામવાડાની બહેનો હવે હસ્તકલાના પોતાના કસબથી આર્થિક ઉપાર્જન સાથે પોતાના જીવનમાં આર્થિક મીઠાશ પણ ઉમેરી રહી છે.
‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત સોમનાથ મંદિર પટાંગણ ખાતે આયોજિત આ સખી મંડળ દ્વારા બનાવેલ હસ્તકલાની વિવિધ વસ્તુઓ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. સખી મંડળ સાથે જોડાયેલી ૧૦ બહેનોના જૂથ દ્વારા વિવિધ પ્રકારના પર્સ, માળા, મંગળસૂત્ર, ડોકિયા સહિતની આકર્ષક અને ઉપયોગી વસ્તુઓનું બનાવીને આ મેળામાં લોકોને હાથોહાથ વેચાણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ થકી બહેનો માત્ર પોતાની કળાને નવી ઓળખ આપી રહી નથી, પરંતુ આર્થિક રીતે પણ પગભર બની રહી છે.
સોમનાથ મહાદેવના આંગણે યોજાયેલા ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સખી મંડળની બહેનોએ બનાવેલી પોતાની હસ્તકલાઓની વસ્તુઓનું વેચાણ કરી સારી એવી આવક મેળવી હતી.
આ મેળામાં ભાગ લેનાર જામવાડા સખી મંડળના જોત્સ્નાબેન મકવાણાએ આ અંગે જણાવ્યું હતું કે, અમારૂ ૧૦ બહેનોનું સખી મંડળ છે. અમે બહેનો અલગ-અલગ હસ્તકલાની વસ્તુઓ બનાવીને હોલસેલ ભાવે રિટેઇલરને વેચીએ છીએ. આ મંડળ થકી અમારી ઘણી પ્રગતિ પણ થઇ છે.
સોમનાથ ખાતેના ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ મેળામાં અમને રાજ્ય સરકાર દ્વારા સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. જેના દ્વારા અમને ઘણી સારી આવક થઇ છે. રોજના રૂ. ૭ થી ૮ હજારની આવક અમને થઇ હતી. ચાર દિવસમાં અંદાજિત રૂ. ૩૫ હજારની વસ્તુઓનું વેચાણ કર્યું હતું. આ મેળા થકી અમને ઘણો ફાયદો થયો છે. સોમનાથ દાદાના દર્શને આવતા યાત્રિકોએ મોટી સંખ્યામાં અમારા સ્ટોલની મુલાકાત લઇ ખરીદી કરી હતી. ભગવાન ભોળાનાથના દર્શને આવતા લોકોને કારણે અમને ઘણો ફાયદો થયો હતો.
રાજ્ય સરકાર દ્વારા પણ સ્ટોલ સહિતની સુવિધાઓ પુરી પાડીને અમને ઘણી મદદ કરવામાં આવી હતી. જેનાથી પણ અમને લાભ થયો હતો. તેમ તેમણે ઉત્સાહભેર જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ