
કાઠમંડુ, નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.) નેપાળમાં વિનાશકારી પૂરથી અસરગ્રસ્ત લોકોને બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારત તરફથી રાહત સહાયનો પાંચમો જથ્થો કાઠમંડુ પહોંચ્યો છે.
કાઠમંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર, ભારત દ્વારા મોકલવામાં આવેલ રાહત પુરવઠો ભારતીય દૂતાવાસના પ્રતિનિધિ દ્વારા નેપાળ સરકારના પ્રતિનિધિને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે સવારે માહિતી આપી હતી કે, ભારત તરફથી સહાયનો પાંચમો જથ્થો હવાઈ માર્ગે નેપાળ માટે રવાના થયો છે.
તેમણે કહ્યું કે, વિશેષ શોધ અને બચાવ ઉપકરણો અને ટન આવશ્યક દવાઓથી સજ્જ 11 સભ્યોની બચાવ ટીમને વિમાનમાં મોકલવામાં આવી છે. આ ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે. માત્ર બે દિવસ પહેલા જ ભારતે પૂરગ્રસ્ત લોકો માટે 11 ટન રાહત સામગ્રી અને ટેકનિકલ ટીમો સાથે ચોથું વિમાન નેપાળ મોકલ્યું હતું.
નેપાળમાં હાલમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ભારત સહિત વિવિધ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો માટે પણ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર /પંકજ દાસ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ