



કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના ભુજ શહેરમાં કાયદો અને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા સેશન્સ કોર્ટના પ્રાંગણમાં જ છરી વડે હુમલાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને લઈને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હુમલાખોરે યુવકના પેટના ભાગે છરીનો ઘા મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
મળતી માહિતી મુજબ, આજે ભુજ સેશન્સ કોર્ટ પરિસરમાં યુવક અને હુમલાખોર વચ્ચે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા હુમલાખોરે અચાનક છરી કાઢી યુવક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના પેટના ભાગે છરી વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનાની ખાસ બાબત એ છે કે, હુમલો થયો ત્યારે કોર્ટ પરિસરમાં DySP અને PI સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર હતા. પોલીસની નજર સામે બનેલી આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. જોકે, ઘટનાની જાણ થતાં જ હાજર પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા દાખવી ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા હુમલાખોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું, બંને પક્ષો વચ્ચે અગાઉ કોઈ વિવાદ હતો કે કેમ તેમજ હુમલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
કોર્ટ પરિસર જેવા સુરક્ષિત સ્થળે પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે યુવક પર છરી વડે થયેલા હુમલાની ઘટનાએ ભુજમાં ચર્ચા જગાવી છે. સમગ્ર મામલે પોલીસની તપાસ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar