




કચ્છ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના નિયમ વિરુદ્ધ પરિવહન સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. કલેક્ટર, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કવોડ-કચ્છની તપાસ ટીમે ભુજ અને મુન્દ્રા તાલુકામાં અલગ-અલગ સ્થળોએ અચાનક તપાસ હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપી પાડી છે. બે દિવસ દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં સાદીમાટી ખનિજ સાથે સંકળાયેલા કુલ ચાર વાહનોને કબજે લેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.80 લાખ હોવાનું સામે આવ્યું છે.
ફ્લાઈંગ સ્કવોડની ટીમે તા. 2 સપ્ટેમ્બર, 2026ના રોજ ભુજ તાલુકાના રતીયા ગામની સીમ વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સાદીમાટી ખનિજનું પરવાનગી વિના ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સ્થળ પરથી ખનન કામગીરીમાં ઉપયોગમાં લેવાતા એક લોડર મશીન અને એક ડમ્પર મળી આવતા બંને વાહનોને તાત્કાલિક સીઝ કરી દેવામાં આવ્યા હતા. લોડર મશીનનો રજિસ્ટ્રેશન નંબર GJ38S0860, જ્યારે ડમ્પરનો રજિસ્ટ્રેશન નંબર GJ36V1910 હોવાનું નોંધાયું છે. બંને વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભુજ ખાતેના સરકારી ગોદામમાં કસ્ટડી હેઠળ સોંપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, તા. 1 સપ્ટેમ્બર, 2026ના રોજ ફ્લાઈંગ સ્કવોડની તપાસ ટીમે મુન્દ્રા તાલુકાના પ્રાગપર વિસ્તારમાં પણ કાર્યવાહી કરી હતી. અહીં હાથ ધરાયેલી અચાનક તપાસ દરમિયાન સાદીમાટી ખનિજનું રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા બે ડમ્પર મળી આવ્યા હતા. ખનિજ પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ ઉપલબ્ધ ન હોવાથી બંને વાહનોને સીઝ કરી દેવામાં આવ્યા હતા.
કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત આ બંને ડમ્પરને આગળની કાર્યવાહી માટે અનુક્રમે પ્રાગપર પોલીસ સ્ટેશન અને મુન્દ્રા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. ફ્લાઈંગ સ્કવોડની સતત કાર્યવાહીને પગલે ગેરકાયદેસર ખનન તથા રોયલ્ટી પાસ વગર ખનિજ વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા કુલ રૂ.80 લાખના મુદ્દામાલ અંગે ખનિજ નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar