
ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.)મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાતા ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ નીચા રહેતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે યોગ્ય વળતર મળતું ન હતું. જોકે હવે બજારમાં સારી ગુણવત્તાની ડુંગળીની માંગ વધતાં ભાવમાં તેજી જોવા મળી છે.
મહુવા યાર્ડમાં આજે લાલ ડુંગળીની અંદાજે 3440 આવક નોંધાઈ હતી. જેમાં સારી ગુણવત્તાની, સૂકી અને સારી રીતે સંગ્રહિત લાલ ડુંગળીનો ભાવ મહત્તમ રૂ. 1000 પ્રતિ મણ સુધી પહોંચ્યો હતો. જ્યારે ગુણવત્તા પ્રમાણે અન્ય ડુંગળીના ભાવમાં મોટો તફાવત રહ્યો હતો. લાલ ડુંગળીના ભાવ રૂ. 75થી રૂ. 1000 પ્રતિ મણ સુધી નોંધાયા હતા.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે અગાઉના દિવસોમાં સારી લાલ ડુંગળીના ભાવ રૂ. 700થી રૂ. 800ની આસપાસ રહ્યા હતા. તેની સરખામણીએ હાલ ભાવમાં આશરે રૂ. 200 સુધીનો વધારો થયો છે.
દરમિયાન યાર્ડમાં સફેદ ડુંગળીની 1002 જેટલી આવક થઈ હતી અને તેના ભાવ રૂ. 150થી રૂ. 672 પ્રતિ મણ સુધી રહ્યા હતા. લાલ ડુંગળીમાં આવેલી તેજીએ ખેડૂતોમાં આગામી દિવસોમાં વધુ સારા ભાવ મળવાની આશા જગાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA