
બોટાદ,02 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ટાટમ ખાતે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા ટીબી નિયંત્રણ અને નિવારણ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન MPHW, FHW અને CHO દ્વારા કરવામાં આવતી ટીબી સંબંધિત કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમીક્ષા દરમિયાન ટીબીના સંભવિત દર્દીઓની સમયસર ઓળખ, શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાવવી, ટીબીના દર્દીઓની સારવાર અને નિયમિત ફોલોઅપ સહિતની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ટીબીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓને સમયસર આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ જરૂરી તપાસ કરાવી રોગનું વહેલું નિદાન થાય તે માટે આરોગ્ય કર્મચારીઓને વિશેષ ધ્યાન આપવા જણાવાયું હતું. સારવાર લઈ રહેલા દર્દીઓ નિયમિત રીતે દવા લે અને સારવાર અધૂરી ન છોડે તે માટે ફોલોઅપ અને કાઉન્સેલિંગની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને ટીબી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા, રોગના લક્ષણો અને સારવાર અંગે યોગ્ય માહિતી આપવા તથા સમાજમાં ટીબીને લઈને રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે સતત કામગીરી કરવા માર્ગદર્શન અપાયું હતું.
જિલ્લા ક્ષય અધિકારી દ્વારા કરવામાં આવેલી આ સમીક્ષા બેઠકનો હેતુ ટીબી નિયંત્રણની કામગીરીને વધુ સુદૃઢ બનાવી દર્દીઓને સમયસર તપાસ, સારવાર અને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA