
દહેરાદૂન, નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.) ચારધામ યાત્રાના બીજા તબક્કામાં કેદારનાથ ધામની મુલાકાત લેનારા યાત્રાળુઓ માટે હેલી સેવાઓ 15 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (યુ.સી.એ.ડી.એ.) એ આ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે અને 7 સપ્ટેમ્બરથી પ્રથમ ટિકિટ બુકિંગ વિંડો ખોલવાની તૈયારી કરી છે.
યુ.સી.એ.ડી.એ. અનુસાર, ટિકિટના કાળાબજારને રોકવા અને બુકિંગની વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે બીજા તબક્કામાં દિવસના સમયગાળા માટે ટિકિટ 15-15 તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સત્તામંડળે હેલી ઓપરેટરો સાથે જરૂરી બેઠકો યોજી છે. સાથે સાથે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને હવામાન વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે.
યુસીએડીએએ જણાવ્યું હતું કે, હેલી સેવા હવામાનની સ્થિતિ, સલામતીના ધોરણો અને ડીજીસીએની પરવાનગીને આધિન સંચાલિત કરવામાં આવશે. ઓથોરિટીએ ભક્તોને માત્ર અધિકૃત ચેનલો દ્વારા જ ટિકિટ બુક કરવાની અપીલ કરી છે. કેદારનાથ શટલ સેવા માટે heliyatra.irctc.co.in અને બદ્રીનાથ શટલ સેવા માટે helitaxii.com નો ઉપયોગ કરો અને અનધિકૃત એજન્ટો અને વચેટિયાઓ પાસેથી ટિકિટ ન ખરીદો.
ચારધામ યાત્રાના પ્રથમ તબક્કામાં ગુપ્તકાશી, ફાટા અને સિરસી ખાતે હેલિપેડમાંથી આઠ હેલી ઓપરેટરો દ્વારા કેદારનાથ માટેની સેવાઓ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન લગભગ 67 હજાર ભક્તોએ હેલી સેવાનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર /રાજેશ કુમાર પાંડે/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ