
વાપી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) વાપી GIDC સ્થિત RB Electronics and Engineering Private Limited કંપનીમાં બુધવારે સવારે ડ્રમ ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક શ્રમિકની ઓળખ 22 વર્ષીય તુષાર, રહે. ગુડિયા ફળિયા તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્ત શ્રમિક નિર્ભયને ગંભીર હાલતમાં સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અકસ્મતની જાણ થતાં જ વાપી GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રમમાં કઈ સામગ્રી હતી અને તે કયા કારણોસર ફાટ્યો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન, પ્રાથમિક માહિતી અનુસાર કંપની તરફથી મૃતકના પરિવારજનોને રૂ. 15 લાખનું વળતર આપવાની વાત સામે આવી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ અને જવાબદારી અંગેની હકીકત સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha