
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોન્સલ જનરલ્સ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કરશે સંવાદ
ગાંધીનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027' માટે નવી દિલ્હીમાં યોજાયેલા સફળ પ્રારંભિક કાર્યક્રમ (કર્ટન રેઝર) બાદ, ગુજરાત સરકાર દ્વારા 3 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈના કોલાબા સ્થિત 'ધ તાજ મહેલ પેલેસ' ખાતે એક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ-શો VGGS 2027ના આયોજન પહેલા વૈશ્વિક રાજદ્વારી અને વ્યાપારી સમુદાય સાથે ગુજરાતના સંપર્ક અને સહયોગને વધુ મજબૂત બનાવશે. કાર્યક્રમના સાંજના સત્રમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સ્યુલ જનરલ તથા અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે અને આગામી સમિટ માટે ગુજરાતના વિઝન તથા ઉપલબ્ધ તકો વિશે માહિતગાર કરશે.
આ કાર્યક્રમની શરૂઆત 'કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી' (CII) ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. મુકુંદનના સ્વાગત પ્રવચન સાથે થશે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ (IMD) ના અધિક મુખ્ય સચિવ VGGS 2027 અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે. અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ગુજરાત વિશેના તેમના અનુભવો રજૂ કરશે, અને ત્યારબાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ સંબોધન કરશે.
રોડ-શો પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ટાટા ટ્રસ્ટ્સ, મહિન્દ્રા ગ્રુપ, AM/NS ઇન્ડિયા, STT ગ્લોબલ ડેટા સેન્ટર્સ ઇન્ડિયા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ASSA ABLOY, સિપ્લા લિમિટેડ, સન ફાર્મા, લાર્સન એન્ડ ટુબ્રો, RPG એન્ટરપ્રાઈઝિસ, પિરામલ ગ્રુપ, કે રહેજા ગ્રુપ, આદિત્ય બિરલા ગ્રુપ, નાયરા એનર્જી લિમિટેડ, કેમટ્રોલ્સ ઇન્ડસ્ટ્રીઝ, લોટે ઇન્ડિયા, સ્વાન કોર્પ, કોલ્ટ ડેટા સેન્ટર હોલ્ડિંગ્સ, બાટલીબોઇ લિમિટેડ, બ્લુ સ્ટાર ઇન્ડિયા, એબોટ ન્યુટ્રિશન, અરબેલે સોલ્યુશન્સ, રોસારી બાયોટેક લિમિટેડ અને ગ્રાઇન્ડવેલ નોર્ટન એન્ડ સેન્ટ-ગોબેન જેવી કંપનીઓ/સંસ્થાઓના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વ્યક્તિગત બેઠકો (વન-ઓન-વન મીટિંગ્સ) પણ યોજશે.
વન-ટુ-વન બેઠકોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થ અને વેલનેસ, આઇટી ફાઇનાન્શિયલ સર્વિસીસ, ગ્રીન એનર્જી, ઓઇલ અને એનર્જી, બાયોટેકનોલોજી, રિયલ એસ્ટેટ, એબ્રેસિવ મટિરિયલ્સ, ઔદ્યોગિક ઓટોમેશન, હેવી એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત, કાર્યક્રમના ભાગરૂપે વાઇબ્રન્ટ સમિટ અને રાજ્યમાં રહેલી વિવિધ તકો અંગે યુવા ઉદ્યોગસાહસિકો સાથે રાઉન્ડટેબલ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકોમાં રોકાણની નવી તકો, વ્યવસાયના વિસ્તરણ અને વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવશે; સાથે જ ગુજરાતના મજબૂત ઔદ્યોગિક આધાર, આધુનિક માળખાગત સુવિધાઓ, રોકાણ માટે અનુકૂળ નીતિઓ અને ટકાઉ તથા ટેક્નોલોજી-આધારિત વિકાસ પર રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ