
ભાવનગર 20 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા યાત્રી સુવિધાઓને વધુ સારી બનાવવાની દિશામાં જેતલસર યાર્ડમાં નિર્માણાધીન નવા ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડરની લોન્ચિંગનું મહત્વપૂર્ણ કાર્ય 17/18 તથા 18/19 સપ્ટેમ્બર 2026ની રાત્રિ દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
લગભગ ₹13.42 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ FOB 159 મીટર લાંબો હશે, જે ભાવનગર મંડળનો અત્યાર સુધીનો સૌથી લાંબો FOB હશે. આ FOB પ્લેટફોર્મ નંબર 1, 2/3 તથા 4/5ને પરસ્પર જોડશે તથા તેમાં દિવ્યાંગજનો માટેની સુવિધાઓ સાથે તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
FOBની પહોળાઈ 6 મીટર હશે તથા તેમાં કુલ 5 ગર્ડર સ્પાન લગાવવામાં આવી રહ્યા છે, જેની લંબાઈ 28.89 મીટરથી 32.89 મીટર સુધી છે. ગર્ડરની લોન્ચિંગ માટે 400 મેટ્રિક ટન ક્ષમતાની 2 ક્રેન, 300 મેટ્રિક ટન ક્ષમતાની 1 ક્રેન તથા 2 હાઇડ્રાનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલમાં સ્પાન નંબર 3, 4 અને 5ના ગર્ડરની લોન્ચિંગ પૂર્ણ થઈ ચૂકી છે તથા અન્ય સંબંધિત કામગીરી પ્રગતિ હેઠળ છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ કાર્ય મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ FOB જેતલસર સ્ટેશન પર મુસાફરોની અવરજવરને વધુ સુગમ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાની સાથે તમામ પ્લેટફોર્મને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
ભાવનગર મંડળ દ્વારા મુસાફર સુવિધાઓ તથા આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ