ફતેગઢ ડેમ પાસે માલધારી પર ફાયરિંગ કેસનો ભેદ ઉકેલાયો: શિકાર કરવા આવેલા બે શખ્સ ઝડપાયા, દેશી બંદૂક સહિત રૂ.70,500નો મુદ્દામાલ કબજે
કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના ફતેગઢ ગામની સીમમાં આવેલા ભોજનારી ડેમ નજીક, માલધારી પરિવાર પર થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના બનાવનો એલસીબી પૂર્વ કચ્છે ભેદ ઉકેલી, બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની બંદ
ફતેગઢ ફાયરિંગ કેસનો આરોપી


કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના ફતેગઢ ગામની સીમમાં આવેલા ભોજનારી ડેમ નજીક, માલધારી પરિવાર પર થયેલા ફાયરિંગ અને હત્યાના પ્રયાસના બનાવનો એલસીબી પૂર્વ કચ્છે ભેદ ઉકેલી, બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની બંદૂક, કારતૂસ બનાવવા માટેની સામગ્રી, મોબાઇલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ.70,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, 16 સપ્ટેમ્બર 2026ની રાત્રે ફતેગઢની સીમમાં ભોજનારી ડેમ પાસે માલધારી પરિવાર ઘેટાં-બકરાં સાથે પડાવ નાખીને રોકાયો હતો. દરમિયાન મોડી રાત્રે બે શખ્સો મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા હતા. પડાવમાં રહેલા જોગાભાઈ રબારીને હલચલનો અવાજ થતાં તેઓ જાગી ગયા હતા. આ સમયે અજાણ્યા શખ્સોએ તેમના તરફ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં જોગાભાઈને ગંભીર ઇજા થતાં બંને શખ્સો મોટરસાયકલ પર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે ખોડાભાઈ કાનાભાઈ રબારીની ફરિયાદના આધારે, રાપર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિત આર્મ્સ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગંભીર પ્રકારનો ગુનો હોવાથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ તપાસ હાથ ધરી હતી.

બનાવ રાત્રિના સમયે બન્યો હોવાથી ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નહોતા. પરિણામે એલસીબીની અલગ અલગ ટીમોએ, વાગડ વિસ્તારના સીમ અને ડેમ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ખાનગી બાતમીદારો પાસેથી માહિતી એકત્ર કરી તેમજ ઘટનાના વિવિધ પાસાઓની તપાસ કર્યા બાદ પોલીસને શંકા ગઈ કે આ બનાવ શિકારના ઇરાદે સીમ વિસ્તારમાં આવેલા શખ્સો સાથે સંકળાયેલો હોઈ શકે છે.

આ દિશામાં તપાસ આગળ વધારતાં પોલીસે, અહેમદ નજરમામદ હિંગોરજા, ઉંમર 26, રહે. ઇન્દિરાનગર, આડેસર અને રીઝવાન સુલેમાન સમેજા, ઉંમર 24, રહે. મસ્જિદવાળા વાસ, આડેસરની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં બંને શખ્સોએ, તેઓ જંગલ વિસ્તારમાં શિકાર માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. માલધારી પરિવાર જાગી જતાં પોતાની ઓળખ છતી થવાના ભયે જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી ફરાર થયાનું પોલીસ સમક્ષ ખુલ્યું હોવાનું જણાવાયું છે.

પોલીસે તેમની પાસેથી દેશી હાથબનાવટની બંદૂક, ગન પાવડર, ધાતુની તથા ગોળી આકારની સામગ્રી, લોખંડના છરા, કાપડના ટુકડા, ત્રણ મોબાઇલ ફોન અને જીજે-39-એફ-9110 નંબરની મોટરસાયકલ સહિત રૂ.70,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને રાપર પોલીસને સોંપવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande