કુકમામાં વેસ્ટ ઓઇલના ગોદામમાં ભીષણ આગ: 8 ટેન્કર ઝપેટમાં, કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં
કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ તાલુકાના કુકમા નજીક અંજાર ધોરીમાર્ગ પર આવેલા વેસ્ટ ઓઇલના ગોદામમાં શનિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાતી હતી, જ્યારે કાળા ધુમાડાના ગોટેગોટા
કુકમા વેસ્ટ ઓઈલ ગોદામમાં આગ


કુકમા વેસ્ટ ઓઈલ ગોદામમાં આગ


કુકમા વેસ્ટ ઓઈલ ગોદામમાં આગ


કુકમા વેસ્ટ ઓઈલ ગોદામમાં આગ


કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ તાલુકાના કુકમા નજીક અંજાર ધોરીમાર્ગ પર આવેલા વેસ્ટ ઓઇલના ગોદામમાં શનિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાતી હતી, જ્યારે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી પ્રસરી જતા આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી મુજબ કુકમા વિસ્તારમાં આવેલા વેસ્ટ ઓઇલના પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ગોદામમાં આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે, થોડી જ વારમાં ગોદામનો મોટો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો હતો. આગ લાગવાના સમયે કેટલાક ભરેલા ટેન્કરો વેસ્ટ ઓઇલ ઠાલવવા માટે ગોદામમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અંદાજે આઠ ટેન્કર ભરેલી સ્થિતિમાં સ્થળ પર ઊભા હતા. આગના કારણે આ ટેન્કરો પણ જોખમમાં મુકાયા હતા.

ઘટનાની જાણ થતાં પદ્ધર પોલીસ સહિતની ટીમો, તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભુજ નગરપાલિકાના ફાયરબ્રિગેડની સાત ટીમો સહિત અન્ય ફાયર ફાઇટરોને પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા પાણીના ટેન્કરો સતત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા અને અનેક દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, માધાપર પોલીસ તેમજ આર્મીના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભુજ નગરપાલિકા અને બીકેટી કંપની સહિતના સ્થળેથી પાણીના ટેન્કરો મંગાવવામાં આવ્યા હતા. ગોદામ સુધી ફાયર વાહનો અને પાણીના ટેન્કરો સરળતાથી પહોંચી શકે તે માટે જેસીબીની મદદથી કેટલીક દીવાલો તોડી રસ્તો બનાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક વિગતો મુજબ આ જમીન વર્ષ 2011માં ઓમેગા કંપનીના ઉપયોગ માટે, બિનખેતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો ઉપયોગ વેસ્ટ ઓઇલના પ્રોસેસિંગ માટે થતો હતો. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કલાકોની ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande