માલિક પાસે બદલો લેવા રૂ.150ના પેટ્રોલથી 14 દુકાનોમાં આગ લગાવી, 24 કરોડનું કાપડ બળીને ખાક
સુરત, 21 સપ્ટેમ્બર (હિ.સ.) સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. માલિક સાથેના રૂ.10 હજારના નાણાકીય વિવાદના કા
सूरत के सारोली श्याम संगिनी टेक्सटाइल मार्केट में आगजनी


સુરત, 21 સપ્ટેમ્બર (હિ.સ.) સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વનિયોજિત હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. માલિક સાથેના રૂ.10 હજારના નાણાકીય વિવાદના કારણે એકાઉન્ટન્ટે પેટ્રોલ છાંટી 14 દુકાનોમાં આગ લગાવી હોવાનો ખુલાસો થયો છે. આગમાં અંદાજે રૂ.24 કરોડનું કાપડ બળીને ખાક થઈ ગયું હતું. આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને લગભગ 38 કલાકનો સમય લાગ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે શ્યામ સંગિની માર્કેટની દુકાન નંબર 639માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો 33 વર્ષીય વિનોદ પંડિત સાવલે આ ઘટનાનો આરોપી છે. તે એપ્રિલ 2026થી રૂ.30 હજારના પગારે નોકરી કરતો હતો. એકાઉન્ટનું કામ યોગ્ય રીતે નહીં થતું હોવાના મુદ્દે માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જાવર સાથે તેનો વિવાદ થયો હતો. ત્યારબાદ વિનોદે નોકરી છોડી દીધી હતી.

વિનોદનો આરોપ હતો કે માલિક પાસે તેના રૂ.10 હજાર બાકી હતા. પૈસા નહીં મળતાં તેણે માલિકને નુકસાન પહોંચાડવા માટે આગ લગાવવાનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, વિનોદે દેવધ ગામના પેટ્રોલ પંપ પરથી રૂ.150નું પેટ્રોલ પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરાવ્યું હતું. 8 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9 વાગ્યે તે માર્કેટમાં પહોંચ્યો હતો અને પાંચમા માળે પગથિયાં પાસે બેસી રહ્યો હતો.

રાત્રે 12:30 વાગ્યાની આસપાસ માર્કેટમાં સન્નાટો છવાયા બાદ તેણે માલિકની બંધ દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ અને પાર્સલો પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. ત્યારબાદ આગ ઝડપથી અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી.

ઘટના બાદ સારોલી પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપી સુધી પહોંચવા માટે સુરત પોલીસના ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ લગાવવામાં આવેલા 1500થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અવરજવરનો માર્ગ તેમજ ઘટના બાદના તેના હલનચલનને ટ્રેક કર્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ થઈ હતી અને તે ડિંડોલીના બીલીપાર્ક રેસિડેન્સીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.

ઘટના બાદ અયોધ્યા અને રાજસ્થાન ભાગ્યો

ઘટના બાદ સોશિયલ મીડિયામાં આગની ઘટના વાયરલ થઈ અને પોતાની સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં વિનોદ ગભરાઈ ગયો હતો. તેણે મોબાઇલ ફોન બંધ કરી પત્ની અને બાળક સાથે સુરત છોડી દીધું હતું. તે પહેલાં રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર અને ત્યારબાદ અયોધ્યા ગયો હતો.

પોલીસ તેની સતત શોધખોળ કરી રહી હતી. દરમિયાન તે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસે પરત ફર્યો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો.પોલીસે વિનોદ પંડિત સાવલેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande