

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા યુવાનોમાં સામાજિક સંવેદનશીલતા અને માનવતાની ભાવના વિકસે તે હેતુથી અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળની સામાજિક મુલાકાત કરાવાઈ હતી જેમાં ૧૨૨મી સર્વનેતૃવ શિબિરના ૭૩ યુવાનો જોડાયા હતા. મુલાકાત દરમિયાન બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન તરફથી જયદેવભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તથા સેવાકીય કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે દૃષ્ટિહીન વ્યક્તિઓનું જીવન, તેમની ક્ષમતાઓ, આત્મનિર્ભરતા માટેના પ્રયાસો તેમજ તેઓ સામનો કરતા પડકારો અંગે ખૂબ જ સરળ અને અસરકારક રીતે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.
મુલાકાતનું વિશેષ આકર્ષણ ‘Vision in the Dark – Dark Room Experience’ રહ્યું હતું. વિદ્યાર્થીઓએ આશરે એક કલાક સુધી સંપૂર્ણ અંધકારમાં વિવિધ અનુભવો મેળવ્યા હતા. આ અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓએ આંખોની દૃષ્ટિ વિના અન્ય ઇન્દ્રિયો, સ્પર્શ, શ્રવણ અને અનુભૂતિના આધારે આસપાસની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ અનોખા અનુભવથી વિદ્યાર્થીઓને દૃષ્ટિહીન વ્યક્તિઓના દૈનિક જીવનમાં આવતી પરિસ્થિતિઓને નજીકથી સમજવાની તક મળી હતી. આ અર્થપૂર્ણ મુલાકાતના અંતે અંધજન મંડળના જયદેવભાઈ અને શારદાબેન તથા સમગ્ર ટીમનો સર્વ નેતૃત્વ પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ