
કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના રાપર તાલુકાના આડેસર ગામની 24 વર્ષીય ગૃહિણી તેમિનાબેન નરેજા માટે સરકારી આરોગ્ય યોજના મુશ્કેલીના સમયમાં આશાનું કિરણ બની છે. લાંબા સમયથી માથામાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તબીબી તપાસ કરાવતા તેમના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠને દૂર કરવા તાત્કાલિક સર્જરી જરૂરી હોવાનું તબીબોએ જણાવતાં પરિવાર સામે સારવારના લાખો રૂપિયાના ખર્ચનો પડકાર ઊભો થયો હતો. જોકે, આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક થતાં પરિવારને મોટી આર્થિક રાહત મળી છે.
તેમિનાબેનને વારંવાર માથામાં તીવ્ર દુખાવો થતો હોવાથી પરિવારજનો તેમને ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા. વિવિધ તપાસ બાદ મગજમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. તબીબોએ ગાંઠ દૂર કરવા સર્જરી જરૂરી હોવાનું જણાવ્યું હતું. સારવાર પાછળ થનારા લાખો રૂપિયાના સંભવિત ખર્ચની જાણ થતાં મધ્યમવર્ગીય પરિવાર માટે ચિંતા વધી હતી. આટલો મોટો ખર્ચ ઉઠાવવો પરિવાર માટે મુશ્કેલ હતો.
આ દરમિયાન પરિવારને આયુષ્માન કાર્ડ મારફતે સારવાર ઉપલબ્ધ હોવાની જાણકારી મળી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમિનાબેનને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર આપવામાં આવી. મગજની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને પરિવાર પાસેથી સારવાર માટે કોઈ રકમ લેવામાં આવી નહોતી.
સારવાર બાદ તેમિનાબેન હવે સ્વસ્થ જીવન તરફ પરત ફર્યા છે. તેઓ ફરીથી રોજિંદા ઘરકામ કરી શકે છે અને અગાઉની તકલીફમાંથી રાહત અનુભવી રહ્યા છે. તેમિનાબેનના જણાવ્યા મુજબ, જો આયુષ્માન કાર્ડનો સહારો ન મળ્યો હોત તો મોંઘી સારવારનો ખર્ચ પરિવાર માટે મોટો બોજ બની શક્યો હોત.
તેમણે જણાવ્યું કે, મુશ્કેલીના સમયમાં આયુષ્માન ભારત યોજના તેમના પરિવાર માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ છે. મોંઘી સારવારની ચિંતા વચ્ચે નિઃશુલ્ક સર્જરી મળવાથી પરિવારને આર્થિક તેમજ માનસિક રાહત મળી છે. તેમિનાબેને આ યોજનાને તેમના માટે જીવનમાં નવી આશા લાવનાર સહારો ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar