
કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : રમતગમતના મેદાન પર ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજાવનાર ખેલાડીઓ માટે નિવૃત્તિ બાદનું જીવન આર્થિક રીતે સરળ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ પૈકી નિવૃત્ત રમતવીર પેન્શન યોજના અંજારના જયપ્રકાશભાઈ જોશી જેવા ખેલાડીઓ માટે આર્થિક આધાર બની રહી છે. ખો-ખોની રમતમાં ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા જયપ્રકાશભાઈને હાલમાં આ યોજના હેઠળ દર મહિને રૂ. 3,000ની સહાય મળી રહી છે.
જયપ્રકાશભાઈ જોશીએ પોતાની રમતગમત કારકિર્દી દરમિયાન ખો-ખોમાં ગુજરાત તરફથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમની રમતગમતની સિદ્ધિઓમાં રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલો મેડલ પણ સામેલ છે. રમતગમત ક્ષેત્રે આપેલા આ યોગદાનને ધ્યાનમાં રાખીને તેઓ રાજ્ય સરકારની નિવૃત્ત રમતવીર પેન્શન યોજનાના લાભાર્થી બન્યા છે.
યોજનાની જોગવાઈ મુજબ, 50 વર્ષથી વધુ ઉંમરના એવા નિવૃત્ત ખેલાડીઓ કે જેમણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવ્યો હોય અથવા રાજ્ય તરફથી નેશનલ ગેમ્સમાં પ્રતિનિધિત્વ કર્યું હોય, તેમને પાત્રતા અનુસાર પેન્શનની સુવિધા આપવામાં આવે છે. આ સહાયનો હેતુ રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી સમર્પિત કરનારા ખેલાડીઓને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
જયપ્રકાશભાઈના જણાવ્યા મુજબ, દર મહિને મળતી રૂ. 3,000ની રકમ તેમના રોજિંદા જીવનના ખર્ચમાં ઉપયોગી સાબિત થઈ રહી છે. નિવૃત્તિ બાદ નિયમિત આવકના સ્ત્રોતમાં થતી ઘટને પહોંચી વળવામાં સરકાર તરફથી મળતી આ સહાય તેમને રાહત આપે છે.
તેમણે જણાવ્યું કે, સરકારની આ પહેલ માત્ર નિવૃત્ત ખેલાડીઓને આર્થિક મદદ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમની રમતગમતની સેવાઓ અને સિદ્ધિઓને સન્માન આપવાનું પણ એક માધ્યમ છે. સાથે જ આવી યોજનાઓ નવી પેઢીના ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી શકે છે.
અંજારના જયપ્રકાશભાઈ જોશીની આ સાફલ્ય ગાથા દર્શાવે છે કે રમતના મેદાનમાં વર્ષો સુધી આપેલી મહેનત અને સિદ્ધિઓને નિવૃત્તિ બાદ પણ સરકારી સહયોગનું સંવેદનશીલ જોડાણ મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar