

કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : મુન્દ્રા વિસ્તારમાં સ્થાનિક રોજગારી અને કન્ટેનર યાર્ડ સાથે સંકળાયેલા નાના વ્યવસાયોના પ્રશ્નને લઈને ચાલી રહેલું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે. એમ્પ્ટી કન્ટેનર યાર્ડ એસોસિએશન તેમજ સ્થાનિક લોકો દ્વારા છેલ્લા 21 દિવસથી વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો અને આંદોલન કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી પ્રશ્નોનો ઉકેલ ન આવતા સોમવારથી આંદોલનકારીઓએ ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, અદાણી પોર્ટ્સ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘કોડ ફ્રીઝ’ નીતિના કારણે મુન્દ્રા વિસ્તારના કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક સ્થાનિક લોકોના વ્યવસાય અને રોજગારી પર અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને નાના યાર્ડ સંચાલકો, ટ્રાન્સપોર્ટરો તેમજ આ વ્યવસાય સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા લોકોને આ નીતિના કારણે મુશ્કેલી પડી રહી હોવાનો આંદોલનકારીઓનો દાવો છે.
આ મુદ્દે સ્થાનિક સ્તરે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક ઉકેલ ન મળતા હવે આંદોલનને નવી દિશા આપવામાં આવી છે. ભૂખ હડતાળ દ્વારા જવાબદાર તંત્ર અને સંબંધિત પક્ષોનું ધ્યાન સ્થાનિક રોજગારીના પ્રશ્ન તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આંદોલનકારીઓનું કહેવું છે કે મુન્દ્રા જેવા પોર્ટ આધારિત વિસ્તારમાં સ્થાનિક લોકો માટે રોજગારીની તકો અને નાના વ્યવસાયોની સતતતા જળવાઈ રહે તે મહત્વનું છે. કોઈપણ નવી નીતિ કે વ્યવસ્થાના અમલ દરમિયાન સ્થાનિક વેપારીઓ અને રોજગાર સાથે જોડાયેલા લોકો સાથે સંવાદ થવો જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે.
દરમિયાન, આગામી દિવસોમાં આ મુદ્દાને વધુ વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચાડવા માટે ભુજપુર, ઝરપરા સહિત આસપાસના ગામોમાં જનસભાઓ યોજવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સભાઓ મારફતે સ્થાનિક લોકો અને વેપારીઓને સમગ્ર મામલાની માહિતી આપવામાં આવશે અને રોજગારીના પ્રશ્ને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
મુન્દ્રામાં લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલને હવે ભૂખ હડતાળનું સ્વરૂપ ધારણ કરતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી દિશામાં આગળ વધે છે તેના પર સ્થાનિક વેપારી વર્ગ અને રોજગાર સાથે જોડાયેલા લોકોની નજર છે. આ સમગ્ર મુદ્દે સંબંધિત પક્ષો વચ્ચે ચર્ચા અને સંવાદ દ્વારા ઉકેલ આવે તેવી અપેક્ષા સ્થાનિક સ્તરે વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar