


કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ‘સેવાસેતુ 2.1’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 21 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર દરમિયાન જિલ્લાના 9 તાલુકાના 51 ક્લસ્ટરમાં વિવિધ સેવાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં યોજાતા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ઓછા પડે અને જરૂરી સેવાઓ સ્થાનિક સ્તરે જ મળી રહે તે છે.
‘સેવાસેતુ 2.1’ના પ્રારંભિક તબક્કામાં કચ્છના વિવિધ વિસ્તારોમાં સેવા કેમ્પ યોજાયા હતા. રાપર અને નખત્રાણા નગરપાલિકા વિસ્તારમાં શહેરી કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભચાઉ તાલુકાના જનાણ અને ખારોઈ, અંજાર તાલુકાના સંઘડ, રાપર તાલુકાના આડેસર તથા મુન્દ્રા તાલુકાના દેશલપર ગામે નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન અરજીઓ સ્વીકારવા ઉપરાંત શક્ય હોય ત્યાં સ્થળ પર જ કામગીરી પૂર્ણ કરી લોકોને રાહત આપવામાં આવી હતી.
આ સેવા કેમ્પોમાં આવક અને જાતિના દાખલા, રેશનકાર્ડમાં સુધારા તથા ઈ-કેવાયસી, આધારકાર્ડ સંબંધિત કામગીરી અને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નોંધણી જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાથે જ નાગરિકો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કૃષિ, પશુપાલન અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, જન્મ-મરણ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, નવી વારસાઈ અરજીઓ તેમજ 7/12 અને 8-અની નકલ જેવી સેવાઓ પણ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર પહેલ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘એક પેડ માઁ કે નામ’ જેવા અભિયાનોને પણ જોડવામાં આવ્યા છે.
રાપર નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં કચ્છના વિવિધ ક્લસ્ટરોમાં યોજાનારા કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકોને સરકારી સેવાઓનો સીધો લાભ મળે તે દિશામાં કામગીરી આગળ ધપાવવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar