રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: 55 વર્ષ પછી દિલ્હીની બહાર એકતા નગરમાં સજાવાશે ભારતીય સિનેમાનો મંચ
એકતા નગર, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના 70થી વધુ વર્ષોના ઇતિહાસમાં મંગળવાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીની બહાર બીજી વાર અને ગુજરાતમાં પહેલી વાર ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પ
પ્રતીકાત્મક


એકતા નગર, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના 70થી વધુ વર્ષોના ઇતિહાસમાં મંગળવાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીની બહાર બીજી વાર અને ગુજરાતમાં પહેલી વાર ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગરમાં આયોજિત થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ભારતીય સિનેમાની દિગ્ગજ હસ્તીઓને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરશે. આ પહેલાં, દિલ્હીની બહાર પહેલો અને એકમાત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 55 વર્ષ પહેલાં, વર્ષ 1971માં તમિલનાડુના ચેન્નઈ (ત્યારે મદ્રાસ)માં આયોજિત કરવામાં આવ્યો હતો.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, ભારતીય સિનેમા વિવિધ ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા 'અનેકતામાં એકતા'નું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ જ કારણ છે કે આ વખતે દેશની એકતાના પ્રતીક સ્થળ 'એકતા નગર'ને આ સમારોહ માટે પસંદ કરવામાં આવ્યું છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને ભવિષ્યમાં દેશના અન્ય મુખ્ય શહેરોમાં પણ લઈ જવાની યોજના છે. આ ઉપરાંત, દિલ્હીનું પરંપરાગત સ્થળ 'વિજ્ઞાન ભવન' હવે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યું છે, જેની એનેક્સી ઇમારતને તોડી પાડવામાં આવી છે. સમારોહની ભવ્યતાને ધ્યાનમાં રાખીને એકતા નગરમાં જર્મન એલ્યુમિનિયમ ટેકનિકથી નિર્મિત 1,000 બેઠકોની ક્ષમતાવાળું એક વિશેષ વાતાનુકૂલિત અસ્થાયી સભાગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાંથી ફિલ્મ કલાકાર, નિર્માતા, નિર્દેશક, સંગીતકાર, ગીતકાર, ફિલ્મ વિવેચક અને મીડિયાકર્મીઓ એકતા નગર પહોંચી રહ્યા છે.

'એકતા નગર' બનવાની સફર

નર્મદા નદીના કિનારે સાતપુડા અને વિંધ્યાચલની પહાડીઓ વચ્ચે આવેલું કેવડિયા ક્યારેક એક નાનું આદિવાસી ગામ હતું. વર્ષ 1961માં નર્મદા બંધના નિર્માણ દરમિયાન છ ગામોની જમીનનું અધિગ્રહણ કરીને કર્મચારીઓ માટે 'કેવડિયા કોલોની'ની સ્થાપના કરવામાં આવી હતી, જેને તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ શરૂઆતના તબક્કામાં 'નવાગામ બંધ' નામ આપ્યું હતું.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2010 માં સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની ઘોષણા કરી. વર્ષ 2013માં 'સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની રચના કરીને દેશભરમાંથી લોખંડ દાનમાં એકત્રિત કરવામાં આવ્યું અને 7 ઓક્ટોબર 2013ના રોજ તેનો પાયો નાખવામાં આવ્યો.

પ્રખ્યાત શિલ્પકાર સ્વ. રામ વી. સુતાર દ્વારા ડિઝાઇન કરાયેલી 182 મીટર ઊંચી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.

સ્વતંત્ર ભારતના રજવાડાઓનું વિલિનીકરણ કરીને દેશને એક સૂત્રમાં પરોવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં આ સમગ્ર વિકસિત પર્યટન ક્ષેત્રનું નામ બદલીને 'એકતા નગર' રાખવામાં આવ્યું, જે વડોદરાથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલું છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande