
- Smart India Hackathon 2026 માટે 31 ટીમો નામાંકિત
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)ના ઓડિટોરિયમમાં Smart India Hackathon (SIH) 2026 માટેની યુનિવર્સિટીની આંતરિક હેકાથોન CODEARENA 3.0નો વેલેડિક્ટરી કાર્યક્રમ યોજાયો હતો. 9 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ હેકાથોન યાત્રાનું સમાપન થયું હતું. જેમાં યુનિવર્સિટીનું રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવા માટે 31 ટીમોને નામાંકિત કરવામાં આવી છે.
RRUના પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંદ્રા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વેલેડિક્ટરી સંબોધન કર્યું હતું. RRUના યુનિવર્સિટી ડીન ડૉ. જસબીર કૌર થાધાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ સંબોધન કર્યું હતું.
સ્વાગત પ્રવચન આપતાં ડૉ. ચંદ્રેશ પારેખ, ડિરેક્ટર, School of Information Technology, Artificial Intelligence and Cyber Security (SITAICS)એ જણાવ્યું હતું કે CODEARENA 3.0માં SITAICS, SASET અને SISDSS ઉપરાંત યુનિવર્સિટીના ઉત્તર પ્રદેશ કેમ્પસના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ રીતે આ પહેલ યુનિવર્સિટીની વિવિધ શાળાઓની સહભાગિતાને પ્રતિબિંબિત કરતી બની હતી.
કાર્યક્રમની વિગતો અને મુખ્ય વિશેષતાઓ રજૂ કરતાં પૂજન શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર, SITAICSએ જણાવ્યું હતું કે હેકાથોન દરમિયાન 64 ટીમોના કુલ 384 વિદ્યાર્થીઓએ 74 Problem Statements પર કાર્ય કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ આયોજનના બે મુખ્ય ઉદ્દેશો હતા—વિદ્યાર્થીઓમાં ટીમ એકતાની ભાવના વિકસાવવી અને ટીમોને રાષ્ટ્રીય સ્તરે પોતાની શાળા તથા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર કરવી.
ભાગ લેનારી ટીમોમાંથી 31 ટીમોની Smart India Hackathon માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં Artificial Intelligence and Machine Learningની 12 ટીમો, Cybersecurity and Forensicsની 10 ટીમો, IoT and Embedded Hardwareની 5 ટીમો અને Software Developmentની 4 ટીમોનો સમાવેશ થાય છે.
આ 31 નામાંકિત ટીમો 15 સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા 28 અલગ-અલગ Problem Statements પર કાર્ય કરી રહી છે. તેમાં NTROના 8, AICTEના 4 અને MHAના 3 Problem Statementsનો સમાવેશ થાય છે, જ્યારે બાકીની ટીમો વિવિધ કેન્દ્રીય મંત્રાલયો દ્વારા રજૂ કરાયેલા પડકારો પર કાર્ય કરી રહી છે. બે દિવસ દરમિયાન ઉદ્યોગ ક્ષેત્રના છ જ્યુરી સભ્યોએ તમામ ટીમોનું મૂલ્યાંકન કર્યું હતું. આ ઉપરાંત અનેક સ્પર્ધકોએ પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.
વિશેષ સંબોધન કરતાં ડૉ. જસબીર કૌર થાધાણીએ CODEARENA 3.0ના સફળ આયોજન બદલ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં પડકારો સામે ટકી રહેવાની ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની હેકાથોન માત્ર ટેકનિકલ ક્ષમતાની કસોટી કરતી નથી, પરંતુ ભાવનાત્મક સંતુલન, ટીમવર્ક, સંચાર કૌશલ્ય, પરિસ્થિતિ અનુસાર અનુકૂલન અને દબાણ હેઠળ નિર્ણય લેવાની ક્ષમતા જેવી વ્યાવસાયિક કુશળતાઓ પણ વિકસાવે છે, જે વિદ્યાર્થીઓને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગી બને છે.
મહિલા વિદ્યાર્થીઓની ભાગીદારી અંગે તેમણે જણાવ્યું હતું કે 384 સ્પર્ધકોમાંથી 140 મહિલાઓ હતી, જેમણે ટીમ લીડર, ડેવલપર, રિસર્ચર અને મુખ્ય નિર્ણયકર્તા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નામાંકિત 31 ટીમોમાંથી 9 ટીમોનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે છ સભ્યો ધરાવતી બે નામાંકિત ટીમોમાં તમામ સભ્યો મહિલાઓ હતી.
શોર્ટલિસ્ટ થયેલી ટીમોએ પસંદ કરેલા Problem Statementsની ગુણવત્તાની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે Extended Projects તરીકે તક આપશે. જેના દ્વારા આશાસ્પદ પ્રોટોટાઇપ્સને હેકાથોન બાદ પણ વધુ વિકસિત કરી યુનિવર્સિટીની પોતાની જરૂરિયાતો સાથે સંલગ્ન કરી શકાશે.
વેલેડિક્ટરી સંબોધનમાં પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંદ્રાએ ટેક્નોલોજીના આ યુગમાં યુવાનો દ્વારા દર્શાવવામાં આવેલા ઉત્સાહ, ક્ષમતા અને ટેક્નોલોજીકલ પ્રગતિ પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હેકાથોનનો હેતુ વાસ્તવિક પડકારોને ઓળખી તેમના ઉદ્યોગલક્ષી ઉકેલો શોધવાનો છે. આ રાષ્ટ્ર માટે વિન-વિન પરિસ્થિતિ છે, કારણ કે યુવા પ્રતિભાઓ રાષ્ટ્રીય પડકારોના ઉકેલ શોધવાની સાથે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં પણ યોગદાન આપી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે આવી સ્પર્ધામાં સમય વ્યવસ્થાપન સૌથી મહત્વપૂર્ણ કૌશલ્યોમાંનું એક છે. મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ મિનિટના સમયગાળામાં જ્યુરી સમક્ષ પોતાના ઉકેલને અસરકારક રીતે રજૂ કરી શકવો જોઈએ. તેમણે નામાંકિત ટીમોને જ્યુરી દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદ પર કાર્ય કરવા અને રાષ્ટ્રીય રાઉન્ડ પહેલાં પોતાના ઉકેલોમાં નવીનતા, વ્યવહારિકતા અને વિસ્તરણક્ષમતા (Scalability) વધારવા માટે આહ્વાન કર્યું હતું.
પરિણામોની જાહેરાત કરતાં પૂજન શાહે જણાવ્યું હતું કે કુમારી શિવાંગી શર્માના નેતૃત્વ હેઠળની Team Smart Smurfsને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ટીમે નવી પ્રોગ્રામિંગ ભાષામાં તૈયાર કરેલા Forensic Analysis Scripting Solution માટે વિજેતાનું સ્થાન મેળવ્યું હતું.
અંશુ પ્રકાશના નેતૃત્વ હેઠળની Team AlphaOpsને પ્રથમ રનર્સ-અપ જાહેર કરવામાં આવી હતી. ટીમે Dark Web Threat Actor De-anonymization પર કાર્ય કર્યું હતું.
જ્યારે રાજ વર્ધનના નેતૃત્વ હેઠળની Team Tech Catalystsને દ્વિતીય રનર્સ-અપ જાહેર કરવામાં આવી હતી. ટીમે 3D Ocean-Model Visualisation Platform પર કાર્ય કર્યું હતું.
Code Purple, SRON, Avengers, The Debuggers, Trishuli, Sarvanetra AI અને Strive ટીમોએ પણ Top 10માં સ્થાન મેળવ્યું હતું.
Vote of Thanks રજૂ કરતાં દર્શન પ્રજાપતિ, Manager – Placements, Internships and Training, SITAICSએ જણાવ્યું હતું કે અનેક ટીમોએ વ્યાવસાયિક તેમજ સામાજિક ક્ષેત્રે મજબૂત સંભાવનાઓ ધરાવતા વિચારો રજૂ કર્યા છે. આ વિચારોને યુનિવર્સિટીના Atal Incubation Centre (AIC) મારફતે Startup Development માટે આગળ લઈ જઈ શકાય છે.
હવે નામાંકિત 31 ટીમો Smart India Hackathon 2026ના પોર્ટલ પર પોતાના વિચારો રજૂ કરશે અને રાષ્ટ્રીય સ્તરે Rashtriya Raksha Universityનું પ્રતિનિધિત્વ કરશે. સંબંધિત Problem Statement રજૂ કરનાર સંસ્થાઓ અને SIHના મૂલ્યાંકનકારો દ્વારા ચકાસણી બાદ પસંદગી પામેલી ટીમોને ડિસેમ્બર 2026માં યોજાનારી SIH Grand Finale માટે આમંત્રિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ