

છોટાઉદેપુર, 21 સપ્ટેમ્બર (હિ.સ.)
પાવીજેતપુર પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ ગયો હતો. સવારના સમયે રસ્તાઓ તેમજ રેલવે ટ્રેક પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે થોડે દૂર આવેલી વસ્તુઓ પણ સ્પષ્ટ નજરે પડતી નહોતી. વાહનચાલકોને અકસ્માતથી બચવા માટે વાહનોની લાઈટો ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. બીજી તરફ, રેલવે લાઈન પર પણ ગાઢ ધુમ્મસના કારણે સામે કંઈ ન દેખાતા ટ્રેનોની ગતિ ધીમી પડી હોવાના અહેવાલ છે.
સવારના સમયે કામે નીકળેલા શ્રમિકો, દૂધ વિતરકો અને સ્થાનિક નાગરિકો ઠંડાગાર અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે અવરજવર કરતા નજરે પડ્યા હતા. વહેલી સવારના આ રમણીય છતાં મુશ્કેલીભર્યા વાતાવરણને કારણે લોકોએ શિયાળાના આગમન જેવો અહેસાસ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ