





પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ગણેશ
ચતુર્થીના પાવન પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કર્યા બાદ સાતમા દિવસે પોરબંદરવાસીઓ દ્વારા અસ્માવતી ઘાટ નજીક દરિયામાં
નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં
આવ્યું હતું. ઉત્સવ દરમિયાન ભક્તોએ ગણપતિ બાપ્પાની
ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરી હતી. જોકે, વિસર્જનના બીજા દિવસે અસ્માવતી ઘાટના દરિયાકાંઠે અલગ-અલગ સ્થળોએ ગણેશજીની ખંડિત મૂર્તિઓ તથા તેના અવશેષો જોવા
મળ્યા હતા. દરિયાના મોજાં સાથે કેટલીક
મૂર્તિઓ કિનારે આવી ચડી હતી. આ દરમિયાન બે માસૂમ બાળકોએ દરિયાકાંઠે પડેલી ખંડિત મૂર્તિઓના અવશેષો એકત્ર
કરી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા
કૃત્રિમકુંડમાં પધરાવ્યા હતા. હાથ-પગ સહિતના
ખંડિત અવશેષો જોઈ બાળકો પણ ભાવુક બન્યા હતા.
બાળકોએ પોરબંદરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે પી.ઓ.પી.ની જગ્યાએ
માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તો
વિસર્જન બાદ તેનું વિસર્જન સરળતાથી થઈ શકે છે અને
પર્યાવરણને પણ ઓછું નુકસાન થાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મોટી કદની
પી.ઓ.પી.ની મૂર્તિઓની સ્થાપના કરી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિસર્જન બાદ
પી.ઓ.પી.ની મૂર્તિઓના અવશેષો દરિયા અને કિનારા પર
જોવા મળતાં પર્યાવરણ તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ
અંગે પણ સવાલો ઊભા થાય છે. આસ્થાની સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. ત્યારે આગામી વર્ષોમાં
માટીની મૂર્તિઓને પ્રોત્સાહન મળે અને વિસર્જન માટે વધુ
અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી અપેક્ષા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya