
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) સૂરજ બડજાત્યાની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું પહેલું ગીત અને ટાઇટલ ટ્રેક રિલીઝ થઈ ગયું છે. આયુષ્માન ખુરાના અને શર્વરી અભિનીત આ ફિલ્મ પ્રેમ, લગ્ન, સંબંધો અને ભારતીય સંસ્કૃતિની ભાવનાઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. આ એક પારિવારિક-રોમેન્ટિક વાર્તા છે. રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના ટાઇટલ ટ્રેકને, તાજેતરમાં મુંબઈના રોયલ ઓપેરા હાઉસમાં એક ખાસ કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો.
ટાઇટલ ટ્રેકને શ્રેયા ઘોષાલ અને નિહાલ તૌરોએ પોતાનો અવાજ આપ્યો છે. ગીતનું સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે, જ્યારે તેના બોલ કુમારે લખ્યા છે. ગીતના લોન્ચિંગ પ્રસંગે હિમેશ રેશમિયાએ લાઇવ પ્રસ્તુતિ પણ આપી. ગીતમાં પ્રેમ અને સંબંધોની ભાવનાઓ સાથે પારિવારિક માહોલને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે.
ગીતના વીડિયોમાં આયુષ્માન ખુરાના અને શર્વરી લગ્નના જશ્નની વચ્ચે જોવા મળે છે. પારિવારિક ઉત્સવ અને સંબંધોની ઉષ્માથી ભરેલું આ ગીત રાજશ્રી પ્રોડક્શન્સની પારિવારિક ફિલ્મોની ઓળખને પણ દર્શાવે છે. ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક અને સતીશ શાહ જેવા અનુભવી કલાકારો પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. 'યે પ્રેમ મોલ લિયા'નું દિગ્દર્શન સૂરજ બડજાત્યાએ કર્યું છે. ફિલ્મ દ્વારા તેઓ ફરી એકવાર પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કારો સાથે જોડાયેલી વાર્તા લઈને દર્શકો સમક્ષ આવી રહ્યા છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ