ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપમાં ઉમેદવારોની ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ,પૂર્ણેશ મોદી સહિતના આ 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે
ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. આજથી ઉમેદવારી પત્રો ભરવાની સત્તાવાર પ્રક્રિયાનો પ્રારંભ થયો છે,
Gandhinagar Municipal Corporation Election


ગાંધીનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે.

આજથી ઉમેદવારી પત્રો ભરવાની સત્તાવાર પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેની સાથે જ વિજયી બનવા ઉત્સુક દાવેદારોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ શહેરભરમાં ચૂંટણીનો શંખનાદ આજે વાગવાની તૈયારીઓમાં છે. ત્યારે આજે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ કરાયું છે.આમઆદમી પાર્ટીએ પોતના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર પણ કરી દીધી છે.

ચૂંટણી જંગમાં યોગ્ય અને સક્ષમ ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા આજથી જ વ્યાપક સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ ધારાભભ્ય દુષ્યંત પટેલ અને ભાજપ આગેવાન શબ્દશરણ બ્રહ્મભટ્ટની નિરીક્ષક તરીકે વિશેષ નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે ગાંધીનગરના સેક્ટર-28 જીઆઈડીસી, સેક્ટર-16 સ્થિત બ્રહ્મભવન તેમજ રાયસણના આર.કે.પટેલ ફાર્મ ખાતે જુદા જુદા વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે.

નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી યાદી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલાશે. જ્યાં આખરી મંથન બાદ મહાનગરપાલિકાના કુલ 44 ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

તંત્ર દ્વારા તમામ 11 વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે 5 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરી દેવામાં આવી છે. ફોર્મ વિતરણ અને સ્વીકારવાની વ્યવસ્થા હેઠળ વોર્ડ-1થી 4ના ફોર્મ જિલ્લા પંચાયત કચેરી ખાતે અને વોર્ડ-5થી 11ના ફોર્મ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે.

જ્યારે આદર્શ આચારસંહિતાના કડક અમલીકરણ માટે સ્પેશિયલ નોડલ અધિકારીઓ પણ તૈનાત કરાયા છે.

આ વખતની મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આપ દ્વારા 23 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસમાં હજુ ટિકિટોની મથામણ ચાલી રહી છે.

જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આજ 21થી 26 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ફોર્મ ચકાસણી થશે અને 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 29 સપ્ટેમ્બરની સાંજે જ ચૂંટણી જંગનું આખરી અને સ્પષ્ટ ચિત્ર સામે આવી જશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande