
મહેસાણા, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમના અંબાજી મહામેળામાં આવતા લાખો માઈભક્તોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિશેષ એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગની આશરે 1004 વધારાની બસો પદયાત્રીઓ અને યાત્રિકોની અવરજવર માટે દોડાવવામાં આવી રહી છે.
બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાંથી અંબાજી માટે સીધી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળાના પ્રથમ દિવસે આશરે 150 ટ્રિપ કરવામાં આવી હતી. યાત્રિકોની સુવિધા માટે ગબ્બરથી અંબાજીનું ભાડું ₹25થી ઘટાડીને ₹20 અને અંબાજીથી દાંતા સુધીનું ભાડું ₹40થી ઘટાડીને ₹35 કરવામાં આવ્યું છે.
અંબાજીમાં હંગામી બસ સ્ટેશન, મંડપ, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, માઈક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. બસોના સરળ સંચાલન માટે 10 બુથ અને 4 પોઈન્ટ રાખવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા માટે વન-વે અમલમાં મુકાયો છે.
મેળાને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત રાખવા બસોમાં કચરાપેટીની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓને ઈકો-ફ્રેન્ડલી બેગનું વિતરણ કરવામાં આવશે. કેટલીક બસોને શણગારવામાં આવી છે અને તેમાં ભજન મંડળી તથા ધૂનની વ્યવસ્થા પણ કરાઈ છે. યાત્રિકોએ બસ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR