બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત
બોટાદ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક, સરકારી ભરતી તથા TET-TAT જેવી પરીક્ષાઓ માટે અન્ય જિલ્લામાં જવું ન પડે અને મુસાફરી સહિતના વધારાના ખર્ચમાંથી રાહત મળે તે માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી સમક્ષ લેખિત
ધારાસભ્ય ફાઈલ ફોટો


બોટાદ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક, સરકારી ભરતી તથા TET-TAT જેવી પરીક્ષાઓ માટે અન્ય જિલ્લામાં જવું ન પડે અને મુસાફરી સહિતના વધારાના ખર્ચમાંથી રાહત મળે તે માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં યોજાતી TET-TAT સહિતની વિવિધ પરીક્ષાઓમાં હજારો ઉમેદવારોને પોતાના જિલ્લા બહાર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. જેના કારણે ઉમેદવારોને મુસાફરી, રહેવા અને જમવાના વધારાના ખર્ચ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મહિલા ઉમેદવારોને પરીક્ષા માટે અન્ય જિલ્લામાં જતાં વાલીઓ અથવા પરિવારજનોને સાથે લઈ જવાની ફરજ પડતી હોવાથી આર્થિક બોજ વધે છે.

પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે બસની ટિકિટ ઉપલબ્ધ ન થવી, રિઝર્વેશન ફુલ થઈ જવું અને પરીક્ષાના એક દિવસ અગાઉ જવું પડતું હોવાના કારણે ઉમેદવારોની મુશ્કેલીમાં વધારો થાય છે. એક ઉમેદવારને મુસાફરી, હોટલ અને ભોજન સહિત અંદાજે રૂ.3,000થી રૂ.4,000 સુધીનો ખર્ચ થતો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

TATની મુખ્ય પરીક્ષામાં 75,992 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરેરાશ રૂ.3,000 ખર્ચ ગણીએ તો અંદાજે રૂ.22.80 કરોડનો વધારાનો ખર્ચ થાય છે. LRD અને PSI જેવી પરીક્ષાઓમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો જોડાતા હોવાથી આ ભાર વધુ વધે છે.

ઉમેશ મકવાણાએ માંગ કરી છે કે સ્પર્ધાત્મક, સરકારી ભરતી તથા TET-TAT સહિતની પરીક્ષાઓ માટે ઉમેદવારોને શક્ય હોય ત્યાં સુધી પોતાના જ જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે અને અન્ય જિલ્લામાં જવાની ફરજ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande