બિલીયા ગ્રામ પંચાયતમાં નાણાકીય ગેરરીતિ: સરપંચ બરતરફ, પૂર્વ ઉપસરપંચ સહિત બંને 5 વર્ષ માટે ગેરલાયક
પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે સિદ્ધપુર તાલુકાની બિલીયા ગ્રામ પંચાયતમાં રૂ. 87,900ની નાણાકીય ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી કરી છે. મહિલા સરપંચ સંગીતાબેન વિજયકુમાર પટેલને પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યાં છે.
બિલીયા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ: સરપંચ બરતરફ, પૂર્વ ઉપસરપંચ સહિત બંને 5 વર્ષ માટે ગેરલાયક


પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે સિદ્ધપુર તાલુકાની બિલીયા ગ્રામ પંચાયતમાં રૂ. 87,900ની નાણાકીય ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી કરી છે. મહિલા સરપંચ સંગીતાબેન વિજયકુમાર પટેલને પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યાં છે. જ્યારે તેમના પતિ અને પૂર્વ ઉપસરપંચ વિજયકુમાર મગનલાલ પટેલ સહિત બંનેને 5 વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે.

બિલીયા ગામના કિરીટકુમાર બાબુલાલ પટેલે ગ્રામ પંચાયતના નાણાકીય વહીવટમાં ગેરરીતિ અંગે બેંક સ્ટેટમેન્ટ સહિતના પુરાવા સાથે જિલ્લા પંચાયત કચેરીમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કક્ષાના વર્ગ-1 અધિકારીઓની સંયુક્ત તપાસ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં બહાર આવ્યું કે ગ્રામ પંચાયતે ઉમિયા ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને ઉમિયા ટ્રેડિંગ કંપની પાસેથી માલસામાન ખરીદવાના બિલ પેટે નરેન્દ્રકુમાર કાંતિલાલ પટેલના નામે ચેકથી ચુકવણી કરી હતી. આ રકમ તેમના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં જમા થયા બાદ ચેક અને UPI મારફતે તત્કાલીન ઉપસરપંચ વિજયકુમાર પટેલના અંગત ખાતામાં ટ્રાન્સફર થતી હતી.

તપાસ સમિતિના અહેવાલ મુજબ, 29-02-2024થી 12-11-2025 દરમિયાન નરેન્દ્રકુમાર પટેલના ખાતામાં પંચાયતમાંથી કુલ રૂ. 91,705 ચૂકવાયા હતા. તેમાંથી 29-02-2024થી 13-11-2025 દરમિયાન રૂ. 87,900 પૂર્વ ઉપસરપંચ વિજયકુમાર પટેલના અંગત ખાતામાં જમા થયા હતા.

તપાસ દરમિયાન સંબંધિત દુકાનો બંધ હાલતમાં મળી આવી હતી અને નાણાકીય વ્યવહારો અંગે કોઈ આધારભૂત પુરાવા રજૂ થયા નહોતા. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ યોજાયેલી સુનાવણીમાં સરપંચ અને પૂર્વ ઉપસરપંચે જૂના ધંધાકીય સંબંધો અને હાથઉછીના વ્યવહારોની દલીલ કરી હતી, પરંતુ તેમના ખુલાસા માન્ય રાખવામાં આવ્યા નહોતા.

તપાસ અને સુનાવણીના આધારે સરપંચ સંગીતાબેન પટેલ અને તેમના પતિ વિજયકુમાર પટેલે પરસ્પર મેળાપીપણાથી સત્તાનો દુરુપયોગ કરી ગંભીર નાણાકીય ગેરરીતિ આચરી હોવાનું તારણ અપાયું હતું. પંચાયત અધિનિયમની કલમ-55 મુજબ પંચાયતના ભંડોળની સલામતી અને દેખરેખ રાખવાની જવાબદારી સરપંચની હોવાનું પણ નોંધાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-57(1) હેઠળ સંગીતાબેન પટેલને સરપંચ પદેથી દૂર કરી છે. કલમ-57(2) હેઠળ બંનેને આગામી 5 વર્ષ માટે પંચાયતના સભ્ય, ઉપસરપંચ કે સરપંચ તરીકે ચૂંટાવા અથવા હોદ્દો ધારણ કરવા ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. સાથે જ કલમ-267 હેઠળ પૂર્વ ઉપસરપંચ વિજયકુમાર પટેલ પાસેથી રૂ. 87,900ની વસૂલાત કરવા સિદ્ધપુર મામલતદારને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ અપાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande