જૂનાગઢના માણાવદર ખાતે ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે આયુષ મેળાનું આયોજન કરાયું
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) આયુષ મેળો'' એ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતું એક સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રદર્શન છે. AYUSH (આયુષ) શબ્દ આયુર્વેદ, યોગ, નેચરોપેથી, કુદરતી ઉપચાર, યુનાની, સિદ્ધ
જૂનાગઢના માણાવદર ખાતે ૧૧


જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) આયુષ મેળો' એ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતું એક સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રદર્શન છે. AYUSH (આયુષ) શબ્દ આયુર્વેદ, યોગ, નેચરોપેથી, કુદરતી ઉપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. જૂનાગઢ સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને 'નેશનલ હેલ્થ મિશન' દ્વારા સમયાંતરે આ સ્વાસ્થ્ય મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે “સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ” આ થીમ આધારિત તારીખ ૨૩/૦૯/૨૦૨૬ ના રોજ જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકામાં પટેલ વાડી ખાતે આયુષ મેળો વર્ષ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના નિર્દેશ અનુસાર સમગ્ર કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ દરમિયાન સતત લાભાર્થીઓ માટેના અવનવા કાર્યક્રમો અને મેળાઓનું આયોજન થતું રહે છે. ઘર આંગણે આયુર્વેદ અને વિવિધ ચિકિત્સા પદ્ધતિઓનું જ્યારે નિઃશુલ્ક માર્ગદર્શન મળી રહે છે ત્યારે સર્વે નગરજનોએ બહોળી સંખ્યામાં તેનો લાભ મેળવવો જોઈએ.

આ તકે ધારાસભ્યઅરવિંદભાઇ લાડાણીએ જણાવ્યું હતું કે, દરેક માતાપિતાએ પોતાના બાળકોને બહારના રંગબેરંગી સ્વાદિષ્ટ પડીકાંની બદલે ઘરે બનાવેલો આરોગ્યપ્રદ મિલેટસનો નાસ્તો જ કરાવવો જોઈએ. આજકાલ બહારનું ભોજન ખાવાનું ચલણ ખૂબ વધી ગયું હોવાથી વિવિધ પ્રકારના રોગચાળા સતત ફેલાઈ રહ્યા છે. ત્યારે જનતાના ઘર આંગણે આવા આયુષ મેળાના આયોજનથી લોકોના આરોગ્યમય સુધારો થાય છે અને તેઓને નિઃશુલ્ક ઉપચાર અને દવાઓ મળી રહે છે.

આ મેળામાં નિઃશુલ્ક તબીબી પરામર્શ, ઔષધીય વનસ્પતિઓના બગીચાનું પ્રદર્શન, મિલેટસમાંથી બનેલી વિવિધ વાનગીઓનું નિર્દશન, નિઃશુલ્ક દવાઓનું વિતરણ, વિવિધ પ્રકારની તબીબી શિબિર, સ્વાસ્થ્ય તપાસણી, ઔષધીય વનસ્પતિઓના રોપાનું વિતરણ, દવાઓ અને આયુર્વેદની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ ૧૨ જેટલી વિવિધ ઓપીડી જેમાં હાડકાં, બીપી, ડાયાબિટીસ, સ્ત્રી રોગો, બાળ રોગો, દંત ચિકિત્સા વગેરે સુવિધા ઉપલબ્ધ હતી. આ ઉપરાંત ગર્ભ સંસ્કાર યજ્ઞ, આયુર્વેદ હેલ્થ ડ્રિંક/ કાઢા વિતરણ, આયુર્વેદ જન જાગૃતિ રેલી, રીલ મેકિંગ કોમ્પિટિશન, ધન્વંતરિ ભગવાનનું પૂજન આ બધાનું પણ સાથોસાથ બહુવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને અને આયુર્વેદ માર્ગદર્શિકા આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વંદે માતરમનું ગાન કરાયું હતું.

આ સમારોહ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ ભાનુબેન ડાંગર, નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ પનારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, આયુર્વેદ, આઈ.સી.ડી.એસ., આરોગ્ય શાખાના અધિકારીગણ અને કર્મચારીઓ, શિક્ષકો, આંગણવાડી અને આશા બહેનો, શાળાના ભૂલકાંઓ, લાભાર્થીઓ, ડોકટર્સ તેમજ બહોળી સંખ્યામાં દર્દીઓ હાજર રહયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande