
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગણિત શિક્ષણને સરળ, રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી બનાવવા, શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો, A.I.નો ઉપયોગ, પ્રેક્ટિકલ ગણિત તથા વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે આત્મવિશ્વાસ કેળવવા બદલ શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર–ચણાકાના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગણિત શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ–ગુજરાત એકમ દ્વારા ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે તા. ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા ૨૦મા ગુજરાત રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં આ સન્માન એનાયત થયું હતું.
મીરા વૈષ્ણવે વિદ્યાર્થીઓની ગણિતીય ક્ષતિઓ દૂર કરવા વિવિધ નવતર પ્રયોગો અને ક્રિયાત્મક સંશોધન હાથ ધર્યું છે. ધોરણ ૯–૧૦ની પાયાની સમજ મજબૂત બનાવવા સ્વનિર્મિત ‘BMCC’ ગણિત બુક તૈયાર કરી વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન અને અનુભવજન્ય શિક્ષણ દ્વારા ગણિતનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
ગણિત મહોત્સવમાં શાળાની વિદ્યાર્થીનીએ ગણિત મોડેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યારે મીરા વૈષ્ણવે ગણિત શિક્ષણમાં A.I.ના ઉપયોગ અંગે શિક્ષક ઇનોવેશન પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. STEM પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાતો, ચિલ્ડ્રન ઇનોવેશન ફેર, રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને NCSC જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નવીનતા તથા સંશોધન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
મીરા વૈષ્ણવે આ સન્માનને વિદ્યાર્થીઓ, સહકર્મીઓ, શાળા પરિવાર અને શુભેચ્છકોના સહયોગનું ગૌરવ ગણાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવરૂપ બની છે.
આ પ્રસંગે જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલ, ISROના વૈજ્ઞાનિક ડૉ. પરેશ સરવૈયા, NASAના યુવા વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહ, ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ચંદ્રમૌલિ જોશી, કલ્પેશ અખાણી, દર્શનભાઈ મહેતા સહિતના હોદ્દેદારો, આયોજકો અને શિક્ષણજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ