ભુજમાં LCBની કાર્યવાહી: અરીહંતનગરમાંથી રૂ.1.17 લાખથી વધુનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ શહેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતી પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અરીહંતનગર વિસ્તારમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લ
અરિહંત નગર પ્રોહીબિશન કેસનો આરોપી


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ભુજ શહેરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતી પ્રવૃત્તિ સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અરીહંતનગર વિસ્તારમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેની સાથે સંકળાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસની માહિતી મુજબ, LCBની ટીમ પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અંગે વોચ રાખી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ કર્મચારી રણજીતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ભુજના અરીહંતનગર વિસ્તારમાં ગરબી ચોક નજીક ફોરેસ્ટની દીવાલ પાસે એક વ્યક્તિ વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન બ્લુ રંગનું ટી-શર્ટ પહેરેલો મહાવીરસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, રહે. શિવ મંદિર પાછળ, અરીહંતનગર, ભુજ, પોલીસના હાથે ઝડપાયો હતો. તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 10 બોટલ, કિંમત રૂ.5,650, તેમજ 474 ક્વાર્ટરિયા, કિંમત રૂ.66,834 મળી આવ્યા હતા. આ ઉપરાંત રૂ.5,125ની કિંમતના બીયરના 41 ટીન અને રૂ.5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.

આમ, પોલીસ દ્વારા દારૂ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.82,609 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે મહાવીરસિંહ ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે શક્તિસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, રહે. અરીહંતનગર, ભુજને પકડવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

LCB PI એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ, PSI એમ.એચ. શીણોલ સહિતની ટીમે કામગીરી કરી હતી. બનાવ અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદાની કલમ 65(એ)(ઇ) અને 81 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કબજે કરાયેલ તમામ મુદ્દામાલ વધુ કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande