


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ થીમને સાકાર કરવા માટે ભુજના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આરોગ્ય અને માર્ગ સલામતીને જોડતો સેવાભાવી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરો માટે આંખની તપાસ તેમજ માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બસ ડ્રાઈવરની કામગીરીમાં સ્પષ્ટ દૃષ્ટિનું વિશેષ મહત્વ હોવાથી કેમ્પ દરમિયાન આંખોના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત આંખના તબીબોની ટીમે આશરે 90 ડ્રાઈવર અને કંડક્ટરની આંખો તપાસી હતી. તપાસમાં દૃષ્ટિની ક્ષમતા ઉપરાંત આંખોના નંબર, કલર બ્લાઇન્ડનેસ તેમજ નજીક અને દૂરની દૃષ્ટિ સહિતના જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન જે કર્મચારીઓમાં દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ જણાઈ હતી, તેમને આગળની સારવાર, ચશ્માની જરૂરિયાત અને જરૂરી તબીબી સલાહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાંબા અંતરની મુસાફરી દરમિયાન તેમજ ખાસ કરીને રાત્રિના સમયે બસ ચલાવતી વખતે આંખો પર પડતા તાણથી બચવા માટે પણ તબીબોએ ઉપયોગી સૂચનો આપ્યા હતા.
કાર્યક્રમમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વી.આર. ચૌધરી તથા GSRTCના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. વી.આર. ચૌધરીએ બસના ડ્રાઈવર અને કંડક્ટરોને માર્ગ સલામતીના નિયમો અંગે સમજણ આપતાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, નિયંત્રિત ઝડપ અને મુસાફરોની સુરક્ષા પ્રત્યે સતત સતર્કતા જરૂરી છે. ઓવરસ્પીડિંગ જેવી જોખમી બાબતો ટાળવા તેમજ માર્ગ પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અંગે પણ કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.
માર્ગ અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકોની સાવચેતી અને નિયમપાલન મહત્વપૂર્ણ છે તે અંગે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે તમામ ડ્રાઈવર અને કંડક્ટરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા તથા સુરક્ષિત પરિવહન માટે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ રીતે આરોગ્ય તપાસ સાથે સલામત મુસાફરીનો સંદેશ આપતો આ કાર્યક્રમ યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar