


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) નખત્રાણા ખાતે શ્રી મારુ કંસારા સોની સમાજ દ્વારા શિક્ષણ અને પ્રતિભાને પ્રોત્સાહન આપતા સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિરાણી રોડ સ્થિત શ્રી મારુ કંસારા સોની સમાજવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ-બહેનો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી કાલિકા માતાજીની કૃપાથી આયોજિત આ સમારોહનું આયોજન શ્રી મારુ કંસારા સોની યુવક મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ મહેશ સોનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ તેમજ સમાજના યુવક-યુવતીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નૃત્ય, ગીત અને અન્ય પ્રસ્તુતિઓથી કાર્યક્રમ સ્થળે ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત દર્શકોએ કલાકારોને ઉત્સાહભેર વધાવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજના એવા તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, જેમણે શિક્ષણ, રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. પ્રતિભાશાળી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનપત્ર અને ભેટ અર્પણ કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. સાથે જ તેમને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે યુવા પેઢીની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય પ્રોત્સાહન આપવું જરૂરી છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સમાજ સાથેના જોડાણને પણ મજબૂત બનાવે છે.
સમારોહને સફળ બનાવવા પ્રમુખ મહેશ સોની, મહામંત્રીઓ ભરત એલ. કટ્ટા અને જયેશ એમ. સોલંકી, અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજના મહામંત્રી શાંતિલાલ સોની, મંત્રી વસંત પોમેલ, વડીલ મુરબ્બી લખમશી કોટડીયા, નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી અશ્વિનસોની સહિતના આગેવાનો સાથે યુવક અને મહિલા મંડળની ટીમે મહત્વની કામગીરી કરી હતી. યુવક મંડળના પ્રમુખ રાજન એચ. બુદ્ધભટ્ટી, મહામંત્રી વરુણ કે. બારમેડા સહિત મેબ્રિન સોની, નિલેશ સોની, સુનિલ સોની, જીગરસોની અને નિકુંજ સોની તથા મહિલા મંડળના પ્રમુખ વિજયા ડી. બુદ્ધભટ્ટી અને મહામંત્રી લીલાબેન આર. પોમલ સહિતના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરુણ બારમેડાએ કર્યું હતું. અંતે ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar