
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના અબડાસા તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી દરમિયાન નલીયા પોલીસને મહત્વની સફળતા મળી છે. નલીયા ગામમાં આવેલા શિવ પેટ્રોલપંપ નજીકથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ગાંજો, બે મોબાઇલ ફોન અને એક મોટરસાઇકલ સહિત કુલ રૂ.53,011.50નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસની કામગીરી દરમિયાન શિવ પેટ્રોલપંપ નજીક શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે શખ્સો પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે જથ્થો કબજે કરીને બંને શખ્સોને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાયત કરી હતી. કબજે કરાયેલા ગાંજાનું કુલ વજન 40.23 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ.2,011.50 હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે.
આ કેસમાં નલીયા પોલીસ દ્વારા સેફઅલી અબ્દુલા નોડે, ઉંમર 30 વર્ષ, રહે. સપનાનગર, નલીયા, તા. અબડાસા અને અબ્દુલકાદર લતીફ ખલીફા, ઉંમર 32 વર્ષ, રહે. નારણપર, તા. ભુજ,ને પકડવામાં આવ્યા છે.
પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત બે મોબાઇલ ફોન પણ કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂ.6,000 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત બજાજ કંપનીની પલ્સર મોડલની મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી છે, જેની કિંમત રૂ.45,000 આંકવામાં આવી છે. આમ, ગાંજો, મોબાઇલ ફોન અને મોટરસાઇકલ મળી કુલ રૂ.53,011.50નો મુદ્દામાલ પોલીસ કબજામાં લેવામાં આવ્યો છે.
નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને ઉપયોગ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નલીયામાં થયેલી આ કામગીરીને પણ તે જ કડીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar