વોંધ રામદેવપીર મેળામાં ઉમટ્યો આસ્થાનો મહાસાગર: વીજપાસરથી નેજા સાથે ભવ્ય સંઘ, ભક્તોના ઘોડાપૂરથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) વાગડ પંથકમાં આસ્થા અને લોકપરંપરાના પ્રતિક સમાન વોંધ ગામ નજીક યોજાતા રામદેવપીર મહારાજના પરંપરાગત મેળાનો ભાદરવા સુદ દસમ અને અગિયારસના પવિત્ર દિવસોમાં રંગેચંગે પ્રારંભ થયો હતો. સામખિયાળી નેશનલ હાઇવે નજીક વીજપાસર, છાડવાડા
વોંધ રામદેવપીર મેળો


વોંધ રામદેવપીર મેળો


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) વાગડ પંથકમાં આસ્થા અને લોકપરંપરાના પ્રતિક સમાન વોંધ ગામ નજીક યોજાતા રામદેવપીર મહારાજના પરંપરાગત મેળાનો ભાદરવા સુદ દસમ અને અગિયારસના પવિત્ર દિવસોમાં રંગેચંગે પ્રારંભ થયો હતો. સામખિયાળી નેશનલ હાઇવે નજીક વીજપાસર, છાડવાડા અને વોંધના ત્રિભેટે આવેલા રામદેવપીર મંદિર ખાતે યોજાયેલા મેળામાં કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.

મેળાનું ઉદ્ઘાટન રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. મેળાની વિશેષ પરંપરા મુજબ દશમની રાત્રે વીજપાસર ગામથી લીલો નેજો ભક્તિભાવપૂર્વક સંઘ સ્વરૂપે મંદિર સુધી લાવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા વીજપાસરના પૂર્વ સરપંચ જનકસિંહ જાડેજાના હસ્તે નેજો મંદિર પર ચઢાવવામાં આવ્યો હતો.

રામદેવપીર મંદિર સાથે જોડાયેલી આ પરંપરાને એક સદીથી વધુ સમય થયો હોવાનું જણાવાય છે. ભચાઉના ઓશવાળ સમાજના પરિવાર દ્વારા દર વર્ષે રાત્રિના સમયે ભચાઉથી નેજો લઈ સંઘ મંદિર સુધી પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન ભક્તો માટે ખીચડો અને ખાટીયાનો પ્રસાદ પણ કરવામાં આવે છે, જેના કારણે મેળામાં ધાર્મિક આસ્થા સાથે સેવાભાવની ઝલક જોવા મળે છે.

સ્વર્ગસ્થ જીવરામ ભચુભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા વર્ષોથી વિનામૂલ્યે ભોજન પ્રસાદની સેવા કરવામાં આવે છે. તેમના પુત્રો દિલીપભાઈ અને કિશોરભાઈ સહિત પરિવારજનો આ પરંપરાને સતત આગળ ધપાવી રહ્યા છે.

મેળાની રાત્રે વિવિધ સંસ્થાઓ તેમજ વોંધ, છાડવાડા અને વીજપાસરના નવરાત્રી મંડળો દ્વારા સંતવાણીના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે લોકોએ સંગીત અને ધાર્મિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના પગલે ભચાઉ એસટી ડેપો દ્વારા ભચાઉ, સામખિયાળી અને આસપાસના ગામોમાંથી 20થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભચાઉ પીઆઈ ડી.ડી. ઝાલા, પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગનું અગ્નિશમન વાહન તેમજ આરોગ્ય વિભાગનો સ્ટોલ પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. મુંબઈ સહિત વિવિધ શહેરોમાં વસતા વાગડવાસીઓ અને ઓશવાળ, પટેલ, આહીર સહિત વિવિધ સમાજના યુવાનો પણ મેળામાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande