



કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન–2026’ અને ‘સેવા સેતુ–2.0’ને કેન્દ્રમાં રાખીને વિવિધ ગામો તથા આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્યલક્ષી સેવાઓ સાથે જનજાગૃતિ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો તથા સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવા શપથ લીધા બાદ આરોગ્ય કેન્દ્ર તથા આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. ઝુરા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સફાઈ સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. વાલ્કા નાના ગામમાં શાળા પરિસર અને જાહેર માર્ગોની સફાઈ કરાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સ્વચ્છતા અભિયાન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
ગઢશીશા ખાતે ‘સેવા સેતુ–2.0’ દરમિયાન લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરાયું હતું. નમો શ્રી અને PMMVY યોજનાના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો આપી સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવી હતી. બળદિયા ખાતે PM-JAY, નમો શ્રી, NCD સ્ક્રીનિંગ અને OPD સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાઈ હતી. માધાપરની શ્રી જી સ્કૂલમાં પણ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ હતી.
ગાગોદરમાં સ્વચ્છતા સાથે IEC પ્રવૃત્તિઓ અને PM-JAY તથા NVBDCP હેઠળ કામગીરી થઈ હતી. સમાઘોઘામાં CSRના સહયોગથી સગર્ભા માતાઓ અને ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ મળી રહે તે અંગે જિંદાલ કંપનીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરાઈ હતી. ભુજપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.
ચંદિયામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાયું હતું. વાલ્કા નાનામાં રોગચાળા નિયંત્રણ માટે સર્વેલન્સ, તાવના દર્દીઓની તપાસ, ORS અને ક્લોરિન ગોળીઓનું વિતરણ કરાયું હતું. કાદિયા મોટામાં મમતા દિવસની કામગીરી દરમિયાન બાળકોને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન અપાયું હતું. આમ, સમગ્ર જિલ્લામાં આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને પર્યાવરણ સંરક્ષણને જોડતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સેવાભાવી અભિગમને વેગ મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar