
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.). ગૃહ મંત્રાલય અને તેની પ્રાદેશિક તેમજ બાહ્ય કચેરીઓએ નવેમ્બર 2025 થી ઓગસ્ટ 2026 ની વચ્ચે 52,050 જન ફરિયાદો અને 7,410 ફરિયાદ અપીલોનો નિકાલ કર્યો, જ્યારે 761 સ્વચ્છતા અભિયાન ચલાવ્યા અને 1,02,084 ચોરસ ફૂટ કાર્યાલય જગ્યા ખાલી કરાવી. મંત્રાલય હવે વિશેષ અભિયાન 6 હેઠળ પડતર કેસોના નિકાલ અને સ્વચ્છતા પર વિશેષ ભાર આપશે.
મંત્રાલયે બુધવારે જણાવ્યું કે, આ સમયગાળામાં સાંસદોના 299, રાજ્ય સરકારોના 336 અને પ્રધાનમંત્રી કાર્યાલયના સાત સંદર્ભોનો પણ નિકાલ કરવામાં આવ્યો. વિશેષ અભિયાન 6 નો તૈયારીનો તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર અને અમલીકરણનો તબક્કો 2 થી 31 ઓક્ટોબર સુધી ચાલશે.
અભિયાન દરમિયાન જનતા સાથે સીધા જોડાયેલા પ્રાદેશિક અને બાહ્ય કાર્યાલયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. મંત્રાલયનો લક્ષ્ય સ્વચ્છ, હરિત અને પર્યાવરણ અનુકૂળ કાર્યસ્થળ બનાવવાની સાથે પડતર કેસોનો સમયબદ્ધ નિકાલ કરવાનો છે.
અભિયાનમાં સાંસદો અને રાજ્ય સરકારોના સંદર્ભો, સંસદની ખાતરીઓ, આંતર-મંત્રાલયીય પરામર્શ, જન ફરિયાદો અને અપીલો ઉપરાંત રેકોર્ડ વ્યવસ્થાપનમાં સુધારા પર પણ ધ્યાન આપવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) અને કેન્દ્રીય પોલીસ સંગઠનોને અભિયાનના લક્ષ્યોને હાંસલ કરવા માટે સક્રિયપણે ભાગ લેવા જણાવાયું છે. અભિયાનની પ્રગતિનું નિરીક્ષણ મંત્રાલયના સ્તરે કરવામાં આવી રહ્યું છે.
મંત્રાલય અનુસાર, અભિયાન સંબંધિત ડેટા એકત્રિત અને ચકાસવા માટે આંતર-મંત્રાલયીય પોર્ટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય સ્વચ્છતા, રેકોર્ડ વ્યવસ્થાપન અને પડતર કેસોના નિકાલની પ્રક્રિયાને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ