
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમના ભાગરૂપે લાંઘણજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં લાંઘણજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કુલ 241 દર્દીઓએ નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો.
કેમ્પમાં જનરલ હોસ્પિટલ મહેસાણાથી આમંત્રિત વર્ગ-1ના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી હતી. જેમાં ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ દર્દીઓને જરૂરી તબીબી સલાહ અને સારવાર આપી હતી. આ ઉપરાંત લાંઘણજ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી અને ડેન્ટલ સર્જન તેમજ આખજ અને આંબલિયાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓની ટીમે પણ સેવાઓ આપી હતી.
કેમ્પમાં વિવિધ રોગોની તપાસ સાથે દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં નિષ્ણાત તબીબોની સેવા ઉપલબ્ધ થતાં સ્થાનિક નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના સભ્યો, લાંઘણજના સરપંચ, તાલુકા હેલ્થ ઓફિસર, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તથા રોગી કલ્યાણ સમિતિના સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR