
મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમના ભાગરૂપે ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં ખેરાલુ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કુલ 217 દર્દીઓએ તબીબી સેવાનો લાભ લીધો હતો.
કેમ્પમાં જનરલ હોસ્પિટલ સતલાસણાથી ખાસ આમંત્રિત વર્ગ-1ના નિષ્ણાત તબીબોએ દર્દીઓની તપાસ કરી હતી. ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાત તબીબોએ દર્દીઓનું નિદાન કરી જરૂરી તબીબી સલાહ આપી હતી. આ ઉપરાંત ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીઓ અને ડેન્ટલ સર્જન દ્વારા પણ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાંતના રોગો સહિતની તકલીફો માટે પણ જરૂરી તપાસ અને સારવારની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર, સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ તથા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પણ કેમ્પમાં આરોગ્ય તપાસ કરાવી હતી. સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR