

મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આઈસીડીએસ વિભાગના ખેરાલુ ઘટક હેઠળની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આજે કિટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને રમતગમત સાથે જ્ઞાન અને શીખવાની તક મળે તેમજ તેમની સર્જનાત્મકતા અને વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી શૈક્ષણિક રમકડાં અને પ્રવૃત્તિ આધારિત સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોની ઉંમર અને વિકાસના તબક્કા પ્રમાણે ઉપયોગી રમકડાંની કિટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ‘રમતગમત ભાગ-1’ અને ‘રમતગમત ભાગ-2’, ચિત્રપોથી તેમજ ‘મારી વિકાસ યાત્રા’ બુકલેટ સહિતની સામગ્રી પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. પોર્ટફોલિયો બેગમાં પુસ્તકો ઉપરાંત બાળકો દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીના નમૂનાઓ પણ રાખવામાં આવ્યા હતા.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નક્કી કરવામાં આવેલી 17 થીમના આધારે તૈયાર કરાયેલા થીમ આધારિત TLM (Teaching Learning Material) પણ દર્શાવવામાં આવ્યા હતા. આ સામગ્રીના ઉપયોગથી બાળકોને પ્રવૃત્તિ આધારિત રીતે શિક્ષણ આપી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.
કિટ પ્રદર્શન દરમિયાન વાલીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે ઉપલબ્ધ શૈક્ષણિક સામગ્રી અને પ્રવૃત્તિઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR