
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર-ખંભાળિયા
હાઇવે પર બગવદર સુધીના માર્ગમાં આવેલા અનેક સાંકડા પુલો હવે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. પુલોની પહોળાઈ ઓછી હોવાથી બે મોટા વાહનો સામસામે આવી જાય ત્યારે બંનેને પસાર થવામાં મુશ્કેલી પડે છે
અને અકસ્માતની સ્થિતિ સર્જાય છે. વર્ષોથી આ સમસ્યા હોવા છતાં તેનો કાયમી ઉકેલ ન આવતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ સાંકડા પુલ પર ટ્રક અને એસટી બસ સામ સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહોતી. જોકે, આ ઘટનાએ હાઇવે પરના સાંકડા પુલોની સ્થિતિ અંગે ફરી સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે પુલ પરની સ્થિતિ વધુ જોખમી બને છે. સામેથી આવતા ભારે વાહનોની લાઇટ અને ઓછી પહોળાઈને કારણે વાહનચાલકોને વાહન પસાર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. સમયાંતરે સમારકામ કરવામાં આવે છે, પરંતુ પુલની પહોળાઈ વધારવાની કાયમી કામગીરી હજુ સુધી હાથ ધરાઈ નથી.વાહનચાલકોનો સવાલ છે કે સાંકડા પુલો પર વારંવાર અકસ્માતની સ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે કેટલી રાહ જોવામાં આવશે? ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં હાઇવે પરના તમામ સાંકડા પુલોની તાત્કાલિક સમીક્ષા કરી જરૂરી વિસ્તરણ અને સુરક્ષાલક્ષી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya