
જુનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો 'સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલી અરજીઓ અંગે અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી, તેમના પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિવારણ માટે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા, જાહેર રસ્તો ખુલ્લો કરાવવા, વરસાદી પાણીના નિકાલ, રેશનકાર્ડમાં સુધારા, પાણીના કનેક્શન સહિતના વિવિધ પ્રશ્નો અંગે અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ અરજદારોની હાજરીમાં સંબંધિત અધિકારીઓ પાસેથી અરજીઓની સ્થિતિ અને કાર્યવાહી અંગે વિગતો મેળવી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણમાં સંવેદનશીલતા જાળવી અરજદારોને યોગ્ય અને ઝડપી પ્રતિસાદ મળે તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા અને પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, અધિક કલેક્ટર બી.એસ.બારડ, પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ