
ભાવનગર,25 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કાળીયાબીડ ખાતે આવેલી આયુષમાન નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતી, સુરક્ષા અને તાત્કાલિક બચાવના પગલાં અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ લાગવાના મુખ્ય કારણો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને શોર્ટ સર્કિટ, ગેસ લીકેજ, જ્વલનશીલ પદાર્થોનો બેદરકારીપૂર્વક ઉપયોગ તેમજ આગના સાધનો પ્રત્યે બેદરકારીથી આગ લાગવાની સંભાવના રહે છે તે અંગે સમજ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગથી બચવાના વિવિધ ઉપાયો તેમજ આગ લાગે ત્યારે ગભરાયા વિના સલામત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ઇમરજન્સી સમયે ઈમારતમાં ઉપલબ્ધ ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ, એલિવેટરનો ઉપયોગ ન કરવો અને ભીડભાડથી બચીને સુરક્ષિત સ્થળે પહોંચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફાયર વિભાગની ટીમે વિવિધ પ્રકારની આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાયર એક્સ્ટિંગ્વિશરના પ્રકારો અને તેના યોગ્ય ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ કરાવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA