
કચ્છ, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ તાલુકાના દૂધઈ ગામના યુવાન ઇમરાનભાઈ ઉમરીયાએ સમયસર નિદાન, નિયમિત સારવાર અને આરોગ્ય વિભાગના સહયોગથી ટીબી જેવી ગંભીર બીમારીને હરાવી છે. છ માસનો સંપૂર્ણ સારવાર કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમની આ સફર ‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની અસરકારકતાનું ઉદાહરણ બની છે.
ઇમરાનભાઈને સતત બે મહિના સુધી ખાંસીની તકલીફ રહેતી હતી. સામાન્ય દવાઓ લેવા છતાં ખાંસીમાં રાહત ન મળતા તેમણે સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી જરૂરી તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન તેમને ટીબી હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સરકારી આરોગ્ય વ્યવસ્થા હેઠળ ઇમરાનભાઈને ટીબીની દવાઓ સાથે નિયમિત તબીબી તપાસ અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન પોષણ જળવાઈ રહે તે માટે પોષણકીટ તેમજ રૂ. 3 હજારની આર્થિક સહાય પણ મળતી રહી હતી. ડોક્ટરની સલાહ અનુસાર તેમણે છ મહિના સુધી દવાઓનો સંપૂર્ણ કોર્સ નિયમિત રીતે પૂર્ણ કર્યો. સારવાર પૂર્ણ થયા બાદ તેમના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો અને તેઓ ટીબીમાંથી મુક્ત થયા.
ઇમરાનભાઈના જણાવ્યા મુજબ, શરૂઆતમાં લાંબા સમય સુધી ખાંસી રહેતા તેમણે તેને સામાન્ય તકલીફ માની હતી, પરંતુ સમયસર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવાથી બીમારીની ઓળખ થઈ અને યોગ્ય સારવાર મળી શકી. તેઓ અન્ય લોકોને પણ લાંબા સમય સુધી ખાંસી રહે તો બેદરકારી ન રાખી તપાસ કરાવવાની અપીલ કરે છે.
ટીબીની શંકા ધરાવતા દર્દીઓ માટે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કફની તપાસ ઉપરાંત જરૂરિયાત મુજબ Truenat અને CBNAAT જેવી આધુનિક તપાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટીબીની સારવાર શરૂ થયા બાદ દવા વચ્ચે બંધ કરવી નહીં અને તબીબી સલાહ મુજબ સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો અત્યંત જરૂરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ ઉપરાંત તેમના પરિવારજનો અને નજીકના સંપર્કોની પણ જરૂરી તપાસ કરવામાં આવે છે. બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી, તાવ, રાત્રે પરસેવો, વજન ઘટવું, નબળાઈ કે છાતીમાં તકલીફ જેવા લક્ષણો જણાય તો સમયસર તપાસ કરાવવી જરૂરી છે. સમયસર તપાસ અને સંપૂર્ણ સારવારથી ટીબી સંપૂર્ણપણે મટાડી શકાય છે અને ક્ષયમુક્ત કચ્છના સંકલ્પને સાકાર કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar