


મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.)
અંબાજી તરફ પગપાળા જતા યાત્રાળુઓની સેવા માટે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના ખોડીયાર મિત્ર મંડળ અને કડીના ગ્રુપ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2005થી સેવા કાર્ય સાથે જોડાયેલા આ ગ્રુપ દ્વારા નવ વર્ષ સુધી સતત કેમ્પ ચલાવ્યા બાદ હવે ફરીથી પદયાત્રીઓની સેવા શરૂ કરવામાં આવી છે. સાતમથી આઠમના દિવસથી શરૂ થતો આ કેમ્પ ચારથી પાંચ દિવસ સુધી ચાલે છે અને જરૂરિયાત મુજબ તેની મુદત લંબાવવામાં આવે છે.
ખોડીયાર ગ્રુપના શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પદયાત્રીઓને બપોર અને સાંજનું સંપૂર્ણ ભોજન, આરામની વ્યવસ્થા તેમજ બપોરે ચા-નાસ્તાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સેવા કાર્યમાં આશરે 150 જેટલા મિત્રો જોડાયેલા છે, જેઓ વારાફરતી સેવા આપે છે.
કેમ્પમાં દરરોજ બપોરે 2 હજારથી વધુ અને સાંજે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ પ્રસાદ ગ્રહણ કરે છે. સેવા કાર્યમાં મહિલાઓ અને પુરુષો બંને ઉત્સાહપૂર્વક જોડાય છે. મહિલાઓ ભોજન બનાવવાથી લઈને પદયાત્રીઓને ભોજન પીરસવા સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળે છે. શૈલેષભાઈ પટેલના જણાવ્યા મુજબ, પદયાત્રીઓની સેવા કરવાથી તેમને આનંદની અનુભૂતિ થાય છે અને અંબા માતાના આશીર્વાદ મળ્યાની લાગણી થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR