




અમરેલી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : અમરેલી શહેરમાં આવેલી શીતલ કંપની મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે આગવું સ્થાન ધરાવે છે. કંપની દ્વારા મહિલાઓને રોજગારીમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે અને કંપનીના કુલ સ્ટાફમાં આશરે 70 ટકા મહિલાઓ કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું છે. અંદાજે 600 જેટલા સ્ટાફમાંથી 500 જેટલી મહિલાઓ વિવિધ વિભાગો અને પ્લાન્ટમાં પોતાની જવાબદારી નિભાવી રહી છે.
મહિલાઓને રોજગારી આપવાનો મુખ્ય હેતુ તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. ખાસ કરીને અમરેલી જિલ્લાની મહિલાઓને પોતાની ક્ષમતા અને કૌશલ્યના આધારે આગળ વધવાની તક મળે, પોતાના સપનાઓને સાકાર કરી શકે અને આર્થિક રીતે સ્વતંત્ર બની શકે તે માટે કંપની દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
શીતલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હાર્દિકભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં મહિલાઓને 70 ટકા જેટલી રોજગારી આપવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના પગ પર ઊભી રહી શકે તે અમારો મુખ્ય હેતુ છે. મહિલાઓને રોજગારીની સાથે તેમનું આત્મસન્માન જળવાઈ રહે તે માટે પણ કંપની દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કંપનીમાં મહિલાઓને પ્રાધાન્ય આપવાનું એક કારણ તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ છે. મહિલાઓ નોકરીના નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ સમય કામગીરી કરે છે અને પોતાની જવાબદારીને ગંભીરતાથી નિભાવે છે. જરૂરિયાત મુજબ રજા લેવી અને કામમાં સાતત્ય જાળવવા બાબતે પણ મહિલાઓનો સારો સહયોગ મળે છે, તેમ કંપની તરફથી જણાવાયું છે.
કંપનીના વિવિધ પ્લાન્ટમાં મહિલાઓ માત્ર સામાન્ય કામગીરી જ નહીં પરંતુ અલગ-અલગ મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી રહી છે. દરેક પ્લાન્ટમાં મહિલાઓ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી રહી છે. કંપનીનું માનવું છે કે મહિલાઓને તક આપવામાં આવે તો તેઓ પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે અને ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
મહિલાઓને રોજગારી આપવાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં પણ મદદરૂપ થવાની સાથે મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે છે. રોજગારી થકી મહિલાઓ પોતાના નિર્ણયો લેવામાં વધુ સક્ષમ બને છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.
શીતલ કંપની દ્વારા મહિલાઓને પુરુષોની સાથે ખભેખભો મિલાવીને કામ કરવાની તક મળે અને કાર્યક્ષેત્રમાં તેમને સન્માન મળે તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, મહિલાઓને રોજગારી આપવી માત્ર રોજગાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો પણ પ્રયાસ છે.
અમરેલી જિલ્લામાં મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવાની દિશામાં શીતલ કંપનીનું આ મોડેલ ચર્ચામાં છે. કંપનીમાં 600 જેટલા કર્મચારીઓમાંથી 500 જેટલી મહિલાઓ કાર્યરત હોવાના આંકડા મહિલાઓને રોજગારીમાં આપવામાં આવતા પ્રાધાન્યને દર્શાવે છે. મહિલાઓ પોતાના પરિવારની જવાબદારી સાથે કંપનીની જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે, જેના કારણે કંપની દ્વારા મહિલાઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai